T20 ફોર્મેટ ક્રિકેટની રમત માટે જરૂરી, એના વગર ક્રિકેટ જીવી જ ન શકેઃ ગાંગુલી

કોલકાતા – ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધાઓ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું છે અને કહ્યું છે કે T20 ફોર્મેટ વિના ક્રિકેટની રમત જીવી જ ન શકે.

આજકાલ ક્રિકેટરો જરાય આરામ મેળવ્યા વિના સતત ક્રિકેટ મેચો રમે છે અને વિવિધ ફોર્મેટ્સમાં પણ રમે છે તો એ વિશે તમારું શું માનવું છે? એવા સવાલના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે ટ્વેન્ટી-20 તો ક્રિકેટ માટે આવશ્યક છે. T20 વિના ક્રિકેટ જીવિત રહી ન શકે.

દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમના દેખાવ વિશે ગાંગુલીએ કહ્યું કે આ પ્રવાસ ભારતીય ટીમ માટે અત્યાર સુધી તો સરસ રહ્યો છે. તેઓ વન-ડે સિરીઝમાં ઘણું સરસ રમ્યા છે. મને આશા છે કે તેઓ શનિવારે ત્રીજી T20 મેચ પણ જીતીને સિરીઝ જીતી લેશે.

વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ઉલ્લેખ કરતાં ગાંગુલીએ કહ્યું કે, વન-ડે અને T20 ફોર્મેટની મેચોમાં તો એ ઘણું જ સરસ રમે છે. ધોનીએ ભારતીય ક્રિકેટને આપેલા યોગદાનો આદર કરવો જ પડે.