ટોરન્ટો રેપ્ટર્સ બાસ્કેટબોલ ટીમે પહેલી જ વાર જીતી NBA સ્પર્ધા; જંગી વિક્ટરી પરેડમાં લાખો લોકો ઉમટ્યાં

0
404

અહેવાલ અને તસવીરો: દર્શિતા, ટોરન્ટો

ટોરન્ટો – કેનેડામાં સોમવારે મોટા ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું, કારણ કે ટોરન્ટો રેપ્ટર્સ બાસ્કેટબોલ ટીમે દેશના ઈતિહાસમાં પહેલી જ વાર NBA (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન) સ્પર્ધામાં જીત હાંસલ કરી છે. એ જીતની ઉજવણી કરવા માટે ટીમે રેલી કાઢી હતી અને રસ્તાઓ પર લાખો ચાહકો ઉતરી આવ્યાં હતાં.

NBA ફાઈનલમાં ટોરન્ટો રેપ્ટર્સે ગઈ વેળાની ચેમ્પિયન ટીમ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સને 4-2 સ્કોરથી પરાજય આપ્યો હતો. ફાઈનલ મેચ કેલિફોર્નિયાના ઓકલેન્ડના ઓરેકલ અરીનામાં યોજાઈ હતી. એમાં ટોરન્ટો રેપ્ટર્સે 114 અને ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ ટીમે 110 સ્કોર કર્યો હતો. ટોરન્ટો ટીમે સીરિઝ 4-2થી જીતી હતી.

ટીમના વિજયથી રોમાંચિત થયેલા લગભગ 20 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને આનંદ વ્યક્ત કર્યો હતો.

ટીમની વિક્ટરી પરેડ નીકળી હતી અને રસ્તાઓ પર ચાહકોની અપાર મેદની એકઠી થઈ હોવાને કારણે સમગ્ર વિસ્તાર વાહનવ્યવહાર માટે થોડોક સમય માટે બંધ કરી દેવો પડ્યો હતો.