રણવીર સિંહ બનશે પડદા પર કપિલ દેવ; 1983ની ફેમસ વર્લ્ડ કપ જીત પર કબીર ખાન બનાવશે ફિલ્મ

મુંબઈ – 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીઓના સમ્માનમાં એક હિન્દી ફિલ્મ આવી રહી છે ’83. આ ફિલ્મના નિર્માતાઓએ મુંબઈમાં એક શાનદાર સમારંભનું આયોજન કર્યું હતું.

આ સમારંભમાં 1983ની વિશ્વ કપની ઐતિહાસિક જીતની ક્ષણોની યાદ ફરી તાજી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિશ્વ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવ તથા ખેલાડીઓ – કીર્તિ આઝાદ, રોજર બિન્ની, મદનલાલ, સંદીપ પાટીલ, બલવિન્દર સિંહ સંધુ, કે. શ્રીકાંત, મોહિન્દર અમરનાથ, યશપાલ શર્મા તેમજ ટીમના મેનેજર પી.આર. માનસિંહની સાથે ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકર અને બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ, ફિલ્મના નિર્માતા કબીર ખાન, વિકાસ બહલ અને ફેન્ટમ ફિલ્મ્સના મધુ મંતેના તથા અન્ય મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

રણવીર સિંહ ’83 ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવવાનો છે.

વર્લ્ડ કપ વિજેતા ટીમના દરેક ખેલાડીએ પોતપોતાના અનુભવની જાણકારી આપી હતી. તે અનુભવોને પટકથામાં સામેલ કરી ફિલ્મમાં દર્શાવવામાં આવશે.

કબીર ખાને કહ્યું કે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓ પર ફિલ્મ બનાવવા બદલ પોતે ગર્વની લાગણી અને ભાગ્યશાળી મહેસુસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 1983માં લંડનમાં રમાઈ ગયેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ફેવરિટ ટીમને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને કોઈ ટીમે પરાસ્ત કરી હોય એવો તે પહેલો જ પ્રસંગ હતો. વળી, ભારતે કોઈ મોટી સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કર્યું હોય એવો પણ એ પહેલો જ પ્રસંગ હતો. ભારતે તે ફાઈનલ મેચ જીત્યા બાદ દેશભરમાં આનંદ અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું હતું. લોકો મધરાત સુધી રસ્તાઓ પર નાચ્યા હતા, ઢોલ વગાડ્યા હતા, ફટાકડા ફોડ્યા હતા.

’83 ફિલ્મ એ 14 જણની વાર્તા છે જેઓ એવું દ્રઢપણે માનતા હતા કે તેઓ અસંભવને સંભવ કરી શકે છે… અને આખરે એમણે તે કરી બતાવ્યું હતું.

આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરશે અને ફેન્ટમ ફિલ્મ્સ, બિબરી મિડિયાના વિષ્ણુ વર્ધન ઈન્દુરી, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને કબીર ખાન ફિલ્મ્સ તેનું નિર્માણ કરશે.