મોહમ્મદ શમીએ હેટ-ટ્રિક લીધી; ભારતે અફઘાનિસ્તાનને 11-રનથી હરાવ્યું

0
716

સાઉધમ્પ્ટન – અહીં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં ભારતે આજે અફઘાનિસ્તાનને 11-રનથી હરાવી દીધું, પણ અફઘાન ક્રિકેટરો એમની લડતને કારણે લોકોનાં દિલ જીતી ગયાં. ભારતના જીતની વિશેષતા રહી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની હેટ-ટ્રિક.

ભારતે તેના 50 ઓવરમાં 8 વિકેટે 224 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાન ટીમ 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

જ્યાં સુધી મોહમ્મદ નબી ક્રીઝ પર હતો ત્યાં સુધી અફઘાનિસ્તાનને જીતની આશા હતી. એ ટીમમાં સૌથી વધારે, 52 રન કર્યા હતા.

અફઘાનિસ્તાનને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન કરવાના હતા. નબીએ પહેલા જ બોલે બાઉન્ડરી મારી હતી, બીજો બોલ ડોટ ગયો હતો અને પછી શમી વાવાઝોડાની જેમ ત્રાટક્યો અને ત્રીજા બોલમાં 8મી વિકેટના રૂપમાં નબીને લોન્ગ-ઓન પર હાર્દિક પંડ્યાના હાથમાં ઝીલાવી દીધો. ચોથા બોલે શમીએ આફતાબ આલમને બોલ્ડ કર્યો અને પાંચમા બોલે મુજીબને બોલ્ડ કરી દીધો. વર્તમાન વર્લ્ડ કપમાં શમીએ ઝડપેલી આ પહેલી જ હેટ-ટ્રિક બની છે.

શમીએ કુલ 9.5 ઓવરમાં 40 રનમાં 4 વિકેટ લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ અન્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને જાહેર કરાયો હતો. એણે 10 ઓવરમાં 39 રનમાં બે વિકેટ લીધી હતી. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યા અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ બબ્બે વિકેટ લીધી હતી.

ભારતના દાવમાં ટોપ સ્કોરર રહ્યો હતો કેપ્ટન વિરાટ કોહલી – 63 બોલમાં 67 રન સાથે. એણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. કેદાર જાધવે 68 બોલમાં 52 રન કર્યા હતા, જેમાં 3 બાઉન્ડરી અને એક સિક્સર હતી.

વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતનો આ 50મો વિજય થયો છે.

વર્લ્ડ કપ સ્પર્ધાના ઈતિહાસમાં આ 10મી હેટ-ટ્રિક થઈ છે.