વર્લ્ડ કપમાં ભારતની વિજયકૂચ યથાવત્ઃ વેસ્ટ ઈન્ડિઝને 125-રનથી પછાડ્યું

માન્ચેસ્ટર – અહીં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર 125-રનથી આસાન વિજય હાંસલ કર્યો છે. સ્પર્ધામાં ભારતનો આ લગાતાર પાંચમો વિજય છે. વિરાટ કોહલી અને તેના સાથીઓ અપરાજિત રહ્યા છે. સ્પર્ધામાં અપરાજિત રહેનાર ભારત 10માંની એકમાત્ર ટીમ છે. ભારતે ટોસ જીતીને પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 268 રનનો સ્કોર કર્યા બાદ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને 34.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

આ જીત સાથે ભારત સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવવાની વધારે નજીક પહોંચ્યું છે.

આજની જીત સાથે ભારત પોઈન્ટ્સ ટેબલમાં, 6 મેચમાં પાંચ જીત અને 11 પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગયું છે.

વેસ્ટ ઈન્ડિઝના દાવનો ઘડોલાડવો કરવામાં પણ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મુખ્ય ભાગ ભજવ્યો છે. એણે 16 રનમાં ચાર વિકેટ લીધી હતી. વન-ડે ક્રિકેટમાં આ તેનો બેસ્ટ બોલિંગ દેખાવ બન્યો છે.

ભારતની આ પહેલાં, અફઘાનિસ્તાન સામેની મેચમાં હેટ-ટ્રિક ઝડપનાર શમીએ આજે વેસ્ટ ઈન્ડિઝની પહેલી બે વિકેટ પાડી હતી, એમાં વેસ્ટ ઈન્ડિઝના વાઈસ-કેપ્ટન અને ધરખમ ઓપનર ક્રિસ ગેલ (6)નો સમાવેશ થાય છે. એને સાથી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (9 રનમાં 2 વિકેટ) અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ (39 રનમાં 2 વિકેટ) તરફથી સાથ મળ્યો હતો. હાર્દિક પંડ્યા અને ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ એક-એક બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝના દાવમાં કોઈ બેટ્સમેનનો સ્કોર નોંધનીય રહ્યો નહોતો. હાઈએસ્ટ સ્કોર કર્યો ઓપનર સુનીલ એમ્બ્રિસે – 31 રન. ડબલ ફિગરમાં પહોંચનાર અન્ય બેટ્સમેનો છે – નિકોલસ પૂરન (28), શિમ્રોન હેટમેયર (18), કેમાર રોશ (14*) અને શેલ્ડન કોટ્રેલ (10). કેપ્ટન જેસન હોલ્ડર 6 રન કરીને આઉટ થયો હતો.

એ પહેલાં, ભારતને 268 રનનો સમ્માનજનક સ્કોર અપાવવામાં કેપ્ટન વિરાટ કોહલીના 72 રન, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 56 રન, ઓપનર લોકેશ રાહુલના 48 અને હાર્દિક પંડ્યાના 46 રને ભાગ ભજવ્યો હતો. કોહલીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. કોહલીએ સ્પર્ધામાં આ સતત ચોથી હાફ સેન્ચુરી ફટકારી છે.

ધોની 61 બોલમાં 56 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે ઓશેન થોમસે ફેંકેલી દાવની આખરી ઓવરમાં બે સિક્સર અને એક બાઉન્ડરી સાથે 16 રન ઝૂડી કાઢ્યા હતા.

કોહલીએ તેના 72 રન 82 બોલમાં કર્યા હતા જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ આજની મેચ દરમિયાન તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 20 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. તે 20 હજારના આંકે પહોંચનાર દુનિયાનો ફાસ્ટેસ્ટ બેટ્સમેન બન્યો છે. એણે 417 દાવમાં 20,000 રન પૂરા કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ 453 દાવમાં 20 હજાર રન પૂરા કર્યા હતા જ્યારે, સચીન તેંડુલકરે 453 દાવમાં, રિકી પોન્ટિંગે 464 અને એબી ડી વિલિયર્સે 483 મેચમાં પૂરા કર્યા હતા.

કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વાઈસ-કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા 18 રન કરીને આઉટ થયો હતો. વિજય શંકરે 14, કેદાર જાધવે 7 રન કર્યા હતા. મોહમ્મદ શમી ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.