સ્પિનરોએ ટેસ્ટ મેચમાં 40માંથી 38 વિકેટ લીધી; ઈંગ્લેન્ડ-શ્રીલંકા મેચે નવો રેકોર્ડ કર્યો

પલ્લીકેલે (શ્રીલંકા) – બીજી ટેસ્ટ મેચ રવિવારે પાંચમા અને છેલ્લા દિવસે ઈંગ્લેન્ડની ફેવરમાં ગઈ અને એણે યજમાન શ્રીલંકાને 57-રનથી હરાવી ત્રણ-મેચની સીરિઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ઈંગ્લેન્ડે 17 વર્ષમાં આ પહેલી જ વાર શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે. આ ટેસ્ટની વિશેષતા એ છે કે એમાં કુલ 40 વિકેટોમાંથી 38 વિકેટ બંને ટીમના સ્પિનરોએ મળીને લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટના 141 વર્ષના ઈતિહાસમાં અને 2,327 ટેસ્ટ મેચોમાં આ પહેલી જ વાર બન્યું છે કે સ્પિનરોએ સમગ્ર મેચમાં 38 વિકેટ લીધી હોય.

કોઈ ટેસ્ટ મેચમાં સ્પિનરો દ્વારા લેવાયેલી સૌથી વધુ વિકેટનો અગાઉનો વિક્રમ 37 વિકેટનો હતો – જે ભારત અને ન્યુ ઝીલેન્ડના નામે હતો. 1969માં નાગપુર ખાતેની ટેસ્ટ મેચમાં બંને ટીમનાં સ્પિનરોએ મળીને 37 વિકેટ લીધી હતી.

પલ્લીકેલી ટેસ્ટ મેચમાં, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. ઈંગ્લેન્ડે પહેલા દાવમાં 290 અને બીજા દાવમાં 346 રન કર્યા હતા. એના જવાબમાં શ્રીલંકાએ પહેલા દાવમાં 336 અને બીજા દાવમાં 243 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડની સ્પિન ત્રિપુટી – ડાબોડી સ્પિનર જેક લીચ, જમણેરી ઓફ્ફ બ્રેક બોલર મોઈન અલી અને જમણેલી લેગ-બ્રેક બોલર આદિલ રશીદે 20માંથી 19 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીલંકાના સ્પિનરોએ ઈંગ્લેન્ડની 19 વિકેટ લીધી હતી.

જે બે વિકેટ સ્પિનરો સિવાયની પડી હતી એમાંની એક, શ્રીલંકાના મધ્યમ ઝડપી બોલર સુરંગા લકમલે (ઈંગ્લેન્ડના પહેલા દાવમાં) ઝડપી હતી જ્યારે શ્રીલંકાના પહેલા દાવમાં ઓપનર દિમુઠ કરુણારત્ને રનઆઉટ થયો હતો. આ બે વિકેટને બાદ કરતાં બાકીની 38 વિકેટ બંને ટીમના સ્પિનરોએ ઝડપી હતી. આ સ્પિનરો છે – જેક લીચ, ઈંગ્લેન્ડ (70 રનમાં 3 અને 83 રનમાં પાંચ), મોઈન અલી, ઈંગ્લેન્ડ (85 રનમાં બે અને 72 રનમાં 4), આદિલ રશીદ, ઈંગ્લેન્ડ (73 રનમાં 3 અને 52 રનમાં 1), ઓફ્ફ બ્રેક બોલર જો રૂટ (26 રનમાં 1), ઓફ્ફ બ્રેક બોલર દિલરુવાન પરેરા, શ્રીલંકા (61 રનમાં 4 અને 96 રનમાં 3), ડાબોડી સ્પિનર મલિન્ડા પુષ્પકુમાર, શ્રીલંકા (89 રનમાં 3 અને 101 રનમાં 1), ઓફ્ફ બ્રેક બોલર અકિલા ધનંજય (80 રનમાં 2 અને 115 રનમાં 6).

 જેક લીચે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી જ વાર દાવમાં પાંચ વિકેટ મેળવી છે. એ બેટિંગમાં બંને દાવમાં નિષ્ફળ ગયો હતો.

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે પહેલા દાવમાં 14 રન અને બીજા દાવમાં 124 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણી જીતી એ પહેલાં વન-ડે ઈન્ટરનેશનલ તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીઓમાં પણ શ્રીલંકાને પરાજય આપ્યો હતો.