PBL હરાજીઃ સિંધુ, સાઈના, શ્રીકાંત વેચાયાં રૂ. 80-80 લાખમાં; મેરીન રમશે પુણેની ટીમ વતી

મુંબઈ – આગામી પ્રીમિયર બેડમિન્ટન લીગ-2018 સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજીમાં સાઈના નેહવાલ, પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત જેવા સ્ટાર ભારતીય ખેલાડીઓ રૂ. 80-80 લાખની સર્વોચ્ચ બોલીમાં ખરીદવામાં આવ્યાં છે.

સિંધુ હૈદરાબાદ હન્ટર્સમાં જોડાઈ છે જ્યારે સાઈનાને ખરીદી છે નોર્થ ઈસ્ટર્ન વોરિયર્સ ટીમે.

પુરુષ વર્ગના શ્રીકાંતને બેંગલુરુ રેપ્ટર્સે ખરીદ્યો છે જ્યારે અન્ય ટોચના ખેલાડી એચ.એસ. પ્રણયને દિલ્હી ડેશર્સે પણ રૂ. 80 લાખમાં ખરીદ્યો છે.

પીબીએલની ચોથી સીઝનનો આરંભ આ વર્ષની 22 ડિસેંબરે મુંબઈમાં થશે. ફાઈનલ મેચ 2019ની 13 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.

ગયા વર્ષે હૈદરાબાદ હન્ટર્સને ટાઈટલ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્પેનની કેરોલીના મેરીન આ વર્ષે પુણેની પુણે-7 એસીસ ટીમ વતી રમશે. પુણેની ટીમની સહ-માલિકણ છે બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ. અન્ય ટીમ છે – અમદાવાદ સ્મેશ માસ્ટર્સ.