એશિયન ગેમ્સ 2018: 200 મીટરની દોડમાં પણ દુતી ચંદે સિલ્વર જીત્યો

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં ઓડિશાની દૂતી ચંદે કમાલ કરી નાખી છે. એણે આજે ગેમ્સના 11મા દિવસે એક વધુ સિલ્વર જીતીને ભારતના મેડલ્સનો આંકડો વધાર્યો છે. દુતીએ મહિલાઓની 200 મીટર દોડમાં બીજા ક્રમે આવીને રજત ચંદ્રક જીત્યો છે.

દુતી આ જ ગેમ્સમાં 100 મીટરની દોડમાં પણ બીજા ક્રમે આવીને સિલ્વર જીતી હતી.

આજની રેસમાં દુતીએ 23.20 સેકંડનો સમય નોંધાવ્યો હતો. આ રેસનો ગોલ્ડ મેડલ બેહરીનની ઓડિયોંગ ઈડીડિંગે 22.96 સેકંડ સાથે જીત્યો છે. કાંસ્ય ચંદ્રક ચીનની રનરે 23.27 સેકંડ સાથે જીત્યો છે.

દુતી ચંદે 100 મીટરની રેસમાં 11.32 સેકંડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

દુતીના આજના બીજા મેડલ સાથે વર્તમાન ગેમ્સમાં ભારતે જીતેલા મેડલ્સનો આંકડો વધીને 52 થયો છે.

એક જ એશિયન ગેમ્સમાં 100 અને 200 મીટરની દોડમાં મેડલ જીતનાર ભારતીયોઃ

લેવી પિન્ટો (1951): 100 (ગોલ્ડ), 200 (સિલ્વર)

આર. જ્ઞાનશેખરન (1978): 100 (સિલ્વર), 200 (ગોલ્ડ)

પી.ટી. ઉષા (1986): 100 (સિલ્વર), 200 (ગોલ્ડ)

દુતી ચંદ (2018): 100 (સિલ્વર), 200 (સિલ્વર)