શેન વોર્નની ભવિષ્યવાણીઃ સંજુ સેમસન છે ‘ભારતીય ક્રિકેટનો નેક્સ્ટ સુપરસ્ટાર’

મુંબઈ – ઓસ્ટ્રેલિયાના દંતકથા સમા ભૂતપૂર્વ લેગસ્પિનર શેન વોર્ન સંજુ સેમસનના દેખાવથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને એવી માન્યતા વ્યક્ત કરી છે કે એ ભારતીય ક્રિકેટનો હવે પછીનો સુપરસ્ટાર બનશે.

રાજસ્થાન રોયલ્સ વતી રમતા 23 વર્ષીય અને કેરળનિવાસી સંજુ વિશ્વનાથ સેમસને આઈપીએલમાં વીતી ગયેલી બે મોસમમાં કરેલો ઈમ્પ્રેસિવ દેખાવ આ વખતની સ્પર્ધામાં પણ ચાલુ રાખ્યો છે. એણે 12 મેચોમાં 34.45ની સરેરાશ સાથે કુલ 379 રન કર્યા છે.

વોર્ન રાજસ્થાન રોયલ્સનો માર્ગદર્શક છે.

વોર્નનું કહેવું છે કે, સેમસન કોઈ પણ પરિસ્થિતિમાં ફાસ્ટ કે સ્પિન બોલિંગ સામે સરસ રીતે રમી શકે છે. એ ભારતીય ક્રિકેટનો નેક્સ્ટ સુપરસ્ટાર છે. એ નવો રોક સ્ટાર છે. એ અસાધારણ ખેલાડી છે. એ ક્વોલિટી ઈન્ટરનેશનલ ક્રિકેટર છે.

સેમસન અત્યાર સુધીમાં માત્ર એક જ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. એ મેચ હતી 2015માં ઝિમ્બાબ્વે સામેની T20I મેચ.

વોર્નના મંતવ્ય મુજબ સેમસન ઉપરાંત દિલ્હી ડેરડેવિલ્સનો રીષભ પંત પણ ટેલેન્ટેડ ખેલાડી છે. એને પણ ભારતની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવું જોઈએ. આ બે ખેલાડી ભારતના બે શ્રેષ્ઠ યુવા બેટ્સમેનો છે. હું એમને ઘણા લાંબા સમયથી રમતા જોઉં છું.