આઈસલેન્ડ સામે પેનલ્ટી મિસ કરનાર મેસ્સીના બચાવમાં આવ્યા કોચ સેમ્પોલી

મોસ્કો – ફિફા વર્લ્ડ કપ સ્પર્ધામાં શનિવારે આઈસલેન્ડ સામેની ગ્રુપ-Dની મેચમાં આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીના કંગાળ દેખાવનો એના કોચ જોર્ગ સેમ્પોલીએ બચાવ કર્યો છે.

શનિવારની મેચમાં મેસ્સી સ્પોટ-કિકને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ ગયો હતો. આઈસલેન્ડના ગોલકીપર હેન્સ હોલ્ડરસને મેસ્સીએ ફટકારેલી કિકને ગોલ પોસ્ટમાં જતા રોકી દીધી હતી. હોલ્ડરસને બરાબર અંદાજ લગાવ્યો હતો અને પોતાની જમણી બાજુએ છલાંગ મારી હતી અને ગોલ થવા દીધો નહોતો. મેચ અંતે 1-1 સ્કોરથી ડ્રોમાં પરિણમી હતી. મેસ્સી પેનલ્ટી કિક ચૂકી જતાં દુનિયાભરમાં ફૂટબોલ ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. એ ઘટના મેચના બીજા હાફમાં જોવા મળી હતી.

મેચ ડ્રોમાં જતાં 2014ની રનર્સ-અપ ટીમ આર્જેન્ટિનાને બે પોઈન્ટનો માર પડ્યો હતો. તેને અને આઈસલેન્ડ, બંનેને 1-1 પોઈન્ટ મળ્યો છે. જીત માટે 3 પોઈન્ટ મળે છે.

મેસ્સીએ પેનલ્ટી મિસ કરી હોવા છતાં કોચ સેમ્પોલીએ કહ્યું કે આ મેચ પરથી મેસ્સીની પ્રતિબદ્ધતા વિશે સવાલ કરી શકાય જ નહીં. આઈસલેન્ડ સામેની મેચ ખરેખર અનકમ્ફર્ટેબલ હતી. એ લોકો બહુ જ ડીફેન્સીવલી રમ્યા હતા. એ લોકો મોટે ભાગે પોતાના જ હાફમાં રમ્યા હતા અને મેસ્સીને સતત બ્લોક કરતા રહ્યા હતા. હું જાણું છું કે લીઓ (લિયોનેલ મેસ્સી) સ્પર્ધાના ગ્રુપ તબક્કામાં આર્જેન્ટિનાને આગળ લઈ જવા માટે એટલો જ પ્રતિબદ્ધ છે. એનું કમિટમેન્ટ હજી યથાવત્ છે.

MOSCOW, RUSSIA - JUNE 16: Hannes Halldorsson of Iceland saves a penalty from Lionel Messi of Argentina during the 2018 FIFA World Cup Russia group D match between Argentina and Iceland at Spartak Stadium on June 16, 2018 in Moscow, Russia.