‘રન કરવાની તારી ભૂખ જાળવી રાખજે’: લોર્ડ્સ ટેસ્ટ પૂર્વે કોહલીને તેંડુલકરની સલાહ

લંડન – ભારત અને ઈંગ્લેન્ડની ટીમો પાંચ-મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી અહીંના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે શરૂ કરશે. પહેલી એજબેસ્ટન ટેસ્ટ 31 રનથી જીતીને ઈંગ્લેન્ડ 1-0થી સરસાઈમાં છે.

બીજી ટેસ્ટ મેચ પૂર્વે કેપ્ટન વિરાટ કોહલીને દંતકથાસમા બેટ્સમેન સચીન તેંડુલકર તરફથી એક સોનેરી સલાહ મળી છે.

ક્રિકઈન્ફોના એક સવાલના જવાબમાં તેંડુલકરે કોહલીને સલાહ આપી છે કે એ રન કરવાની એની ભૂખને જાળવી રાખે.

ઉલ્લેખનીય છે કે, તેંડુલકરે એમની 24 વર્ષની કારકિર્દીમાં ઘણો ખરો ભાગ ભારતીય બેટિંગનો ભાર પોતાના ખભા પર ઝીલ્યો હતો. આજે એ જ ભૂમિકા કોહલી ભજવી રહ્યો છે.

પહેલી ટેસ્ટમાં કોહલીએ પહેલા દાવમાં 149 અને બીજા દાવમાં 51 રન કર્યા હતા. એકમાત્ર કોહલી જ મેચમાં ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કરવામાં સફળ થયો હતો જ્યારે અન્ય ટોચના બેટ્સમેનો સદંતર નિષ્ફળ ગયા હતા.

એક મુલાકાતમાં જ્યારે તેંડુલકરને પૂછવામાં આવ્યું કે કોહલીને તમે શું સલાહ આપવા માગશો? ત્યારે તેંડુલકરે જવાબ આપ્યો કે, હું માત્ર એટલું જ કહીશ કે એ જુસ્સો જાળવી રાખે. એ સરાહનીય કામગીરી બજાવી રહ્યો છે. તારી આસપાસ શું બની રહ્યું છે એની તું જરાય ચિંતા ન કર, માત્ર તું જે હાંસલ કરવા માગે છે એની પર તારું ધ્યાન કેન્દ્રિત કર. તારું દિલ જ તને આગળ વધવામાં તારું માર્ગદર્શન કરશે.

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન કરનાર તેંડુલકર ઈચ્છે છે કે કોહલી પોતાનો ધ્યેય હાંસલ કરવા માટે ધીરજ જાળવી રાખે. એમણે કહ્યું છે કે, ‘તારી આસપાસ ઘણું બોલાતું હશે કે કરાતું હશે, પણ તારે ધીરજ જાળવી રાખવી. તો પરિણામ આપોઆપ તારા કદમ ચૂમતું આવશે.’

કોહલીએ એજબેસ્ટન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી, પણ તેંડુલકરનું કહેવું છે કે, ‘પરફોર્મર ગમે તેટલા રન સ્કોર કરે તો પણ ક્યારેય સંતુષ્ટ થતો નથી. હું મારા અનુભવના આધારે કહી શકું છું કે તમે ગમે તેટલા રન કરો તો પણ એ ક્યારેય પર્યાપ્ત છે એમ ગણવું નહીં. તમારે વધારે રન કરવાની ઈચ્છા રાખવાની. વિરાટ માટે પણ આ જ લાગુ પડે છે. એ ગમે તેટલા રન કરે તો પણ એને માટે એ પર્યાપ્ત નહીં રહે. જેવા તમે સંતુષ્ટ થાવ કે તમારી પડતી શરૂ થાય. તેથી એક બેટ્સમેન તરીકે તમારે ખુશ જરૂર રહેવું, પણ સંતુષ્ટ ક્યારેય ન રહેવું. બોલરો વધુમાં વધુ 10 વિકેટ લઈ શકે છે, જ્યારે બેટ્સમેનો તો લાંબા સમય સુધી રમી શકે છે. તેથી સંતુષ્ટ ન થવું, માત્ર ખુશ રહેવું.’