બીજી T20I મેચમાં રોહિત શર્માની રેકોર્ડબ્રેક સદી, ભારતનો હાઈએસ્ટ જુમલો

ઈન્દોર – અહીંના હોલકર સ્ટેડિયમમાં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ફરી ઝંઝાવાતી બેટિંગ કરીને આ ફોર્મેટમાં ફાસ્ટેસ્ટ સદીના વિક્રમની બરોબરી કરી છે. 20 ઓવરમાં ભારતના પાંચ વિકેટે 260 રનના સ્કોરમાં શર્માએ 118 રન કર્યા છે.

શર્માએ માત્ર 35 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. અગાઉ, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 35 બોલમાં 100 રન કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આજે શર્માએ એ વિક્રમની બરોબરી કરી છે.

260 રનનો સ્કોર પણ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં ભારતનો હાઈએસ્ટ સ્કોર થયો છે. ટ્વેન્ટી-20 મેચોમાં ભારતનો અગાઉનો રેકોર્ડ હતો 6 વિકેટે 244 રનનો, જે એણે 2016ના ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નોંધાવ્યો હતો. ભારતના બેટ્સમેનોએ આજે એમના દાવમાં કુલ 21 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા હતા. 2016ના ઓગસ્ટની તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ કુલ 21 સિક્સર ફટકારી હતી. આજે ભારતે એ વિક્રમની બરોબરી કરી છે.

શર્માએ એના 100 રનમાં 8 સિક્સર અને 11 બાઉન્ડરી ફટકારી હતી. બાદમાં એ વ્યક્તિગત 118 રનના સ્કોર પર આઉટ થયો હતો. એણે કુલ 43 બોલમાં 12 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે 12.4 ઓવરમાં 165 રન કર્યા હતા. રાહુલે 49 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 89 રન કર્યા હતા.

ત્રણ મેચોની સિરીઝની પહેલી મેચ ભારત 93-રનથી જીત્યું હતું. આજે બીજી મેચમાં પણ શ્રીલંકાના થિસારા પરેરાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

રાહુલ અને શર્મા ઉપરાંત ભારતની અન્ય પડેલી ત્રણ વિકેટ આ છેઃ હાર્દિક પંડ્યા (10), મહેન્દ્ર સિંહ ધોની (28) અને શ્રેયસ ઐયર (0). શર્માએ 10 સિક્સ ફટકારી હતી તો રાહુલે 8, ધોનીએ બે અને હાર્દિક પંડ્યાએ એક સિક્સ ફટકારી હતી.