એશિયા કપ 2018: પહેલી સુપર-4 મેચમાં ભારતે બાંગ્લાદેશને 7-વિકેટથી આસાનીથી હરાવ્યું

દુબઈ – અહીંના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ-2018 સ્પર્ધામાં સુપર-4 તબક્કામાં આજે રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7-વિકેટથી આસાનીથી હરાવી દીધું છે. ભારતની હવે પછીની મેચ પાકિસ્તાન સામે, 23 સપ્ટેંબરે દુબઈમાં રમાશે. એશિયા કપમાં ભારતનું વર્ચસ્વ રહ્યું છે. ચાર દિવસમાં ટીમ ઈન્ડિયાએ 3 મેચ રમી છે અને એ ત્રણેય જીતી છે.

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને બાંગ્લાદેશને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે 49.1 ઓવરમાં 173 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 36.2 ઓવરમાં 3 વિકેટના ભોગે 174 રન કરીને મેચ જીતી લીધી હતી.

કેપ્ટન શર્મા 83 રન સાથે અણનમ રહ્યો હતો.

શિખર ધવને 40, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 33 અને અંબાતી રાયડુએ 13 રન કર્યા હતા.

શર્મા અને ધવને પહેલી વિકેટ માટે 14.2 ઓવરમાં 61 રન કર્યા હતા. રાયડુની વિકેટ 106 રને અને ધોનીની વિકેટ 170 રને પડી હતી.

શર્માએ 104 બોલનો સામનો કર્યો હતો અને પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. એના આક્રમક પ્રહાર સામે બાંગ્લાદેશના બોલરો પાસે કોઈ જવાબ નહોતો.

અગાઉ, બાંગ્લાદેશની ટીમને 173 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ કરવામાં ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. એણે 10 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. બે ફાસ્ટ બોલર – ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે વ્યક્તિગત 3 બેટ્સમેનને આઉટ કર્યા હતા. બાંગ્લાદેશના 9મા ક્રમે આવેલા મેહદીને હસને 50 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 42 રન કર્યા હતા અને એની ટીમનો હાઈએસ્ટ સ્કોરર રહ્યો હતો.