પાકિસ્તાન બોર્ડને પડ્યો રીવર્સ ફટકોઃ બીસીસીઆઈને ખર્ચની 60 ટકા રકમ ચૂકવવાનો એને આદેશ થયો

મુંબઈ – પાકિસ્તાન સાથે ભારતીય ક્રિકેટ ટીમની મેચો ન રમાડવાથી પોતાને ગયેલા આર્થિક નુકસાનના વળતર પેટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પોતાને 6 કરોડ 30 લાખ ડોલર ચૂકવે એવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની માગણી ઊંધે માથે પડી છે, એટલું જ નહીં, એનું વિપરીત પરિણામ આવ્યું છે અને આ ફરિયાદ સંબંધિત એણે કરેલા કેસમાં બીસીસીઆઈને પોતાની બાજુ લડવામાં થયેલા ખર્ચની 60 ટકા રકમ ચૂકવવાનો PCBને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી આદેશ આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એવો આરોપ મૂક્યો હતો કે 2014 અને 2015ના વર્ષમાં ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી સીરિઝ રમવાની સમજૂતીનું બીસીસીઆઈએ ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન બોર્ડે કહ્યું કે આ કાનૂની ઉલ્લંઘન છે, પણ ICCની ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન કમિટી (DRC)એ પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે. DRCએ પોતાના નિર્ણયને વાજબી ગણાવીને એમ કહ્યું છે કે દ્વિપક્ષી ક્રિકેટ મેચો રમવા વિશે બે ક્રિકેટ બોર્ડ વચ્ચેની કોઈ પણ સમજૂતી નૈતિક પ્રકારની હોય છે અને એ કાયદેસર હોતી નથી કે એમાં કોઈ પ્રકારની જવાબદારી રહેતી નથી.

DRCના એક ચુકાદા બાદ ભારતીય બોર્ડે પોતાને કેસ લડવામાં થયેલો કાનૂની ખર્ચ ભરપાઈ કરવામાં આવે એવી વિવાદ સમિતિ સમક્ષ માગણી મૂકી હતી.

હવે આજે, પીસીબીને આદેશ આપવામાં આવ્યો છે કે બીસીસીઆઈએ ખર્ચ માટે જે દાવો કર્યો છે એની 60 ટકા રકમ ઉપરાંત એટલો જ હિસ્સો સમિતિને થયેલા વહીવટીય ખર્ચ પેટે, ટ્રિબ્યુનલના સભ્યોની ફી તેમજ આ કેસના સંબંધમાં એમને થયેલા ખર્ચની રકમ પણ તે ચૂકવી દે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષી ટેસ્ટ સીરિઝ 2007માં ભારતમાં રમાઈ હતી. ત્યારથી પાકિસ્તાન બોર્ડ એવો આગ્રહ કર્યા કરે છે કે દ્વિપક્ષી સીરિઝ પરસ્પર દેશમાં નહીં તો દુબઈ જેવા કોઈ તટસ્થ સ્થળે રમાવી જોઈએ.

ઉક્ત સમિતિએ આજે આપેલો ચુકાદો બંધનકર્તા છે અને આગળ અપીલ કરવાને પાત્ર નથી, એવું આઈસીસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

પાકિસ્તાનના શાસકો ભારતમાં હુમલા કરતા ત્રાસવાદી તત્ત્વોને ટેકો આપે છે એવો ભારતે પાકિસ્તાન પર અવારનવાર આરોપ મૂક્યો છે અને એ માટે પુરાવો પણ આપ્યો છે. ત્યારથી બંને દેશ વચ્ચે રાજકીય તંગદિલી પ્રવર્તે છે.

ભારતે એવું વલણ અપનાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાનનું લશ્કર ભારતમાં નાગરિકો તથા સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવતા ત્રાસવાદીઓને ટેકો આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી એ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચો નહીં રમે.