ધોનીની નિવૃત્તિની અટકળો વિશે લતા મંગેશકરે આપ્યાં પ્રત્યાઘાત

0
2160

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ગઈ કાલે 18-રનથી હારી ગઈ અને સ્પર્ધામાંથી આંચકાજનક રીતે ફેંકાઈ ગઈ એને કારણે દેશભરમાં નિરાશા છવાઈ ગઈ છે.

આ પરાજય સાથે ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ વિશેની ચર્ચા જોરદાર શરૂ થઈ ગઈ છે.

મહાન ગાયિકા લતા મંગેશકરને પણ આ વાતની જાણ થઈ અને એમણે જરાય સમય ગુમાવ્યા વગર ટ્વિટર પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે.

લતાજીએ ધોનીને સંબોધીને સલાહ આપી છે કે તું નિવૃત્તિનો વિચાર કરીશ નહીં.

લતા મંગેશકરે એમનાં ટ્વિટર એકાઉન્ટ મારફત ધોનીને લખ્યું છે કે, મારાં સાંભળવામાં આવ્યું છે કે તું નિવૃત્તિ લેવાનો છે. મહેરબાની કરીને આવો વિચાર કરતો નહીં. તારી રમતની દેશને જરૂર છે. નિવૃત્તિનો વિચાર પણ તું મનમાં લાવીશ નહીં એવી મારી તને વિનંતી છે.

લતા મંગેશકરે એક વધુ ટ્વીટ કરીને ભારતીય ટીમનું મનોબળ વધે એ માટે એક ગીત શેર કર્યું છે. એમણે લખ્યું છે કે, આપણે ગઈ કાલે ભલે જીતી ન શક્યા, પણ આપણે હાર્યાં નથી. ગુલઝાર સાહેબે ક્રિકેટ માટે લખેલું આ ગીત હું આપણી ટીમને સમર્પિત કરું છું.

ધોનીએ નિવૃત્તિ વિશે કંઈ કહ્યું છે? એવો ગઈ કાલે સેમી ફાઈનલ મેચ પૂરી થયા બાદ પત્રકાર પરિષદમાં કેપ્ટન વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું હતું, ત્યારે કોહલીએ કહ્યું કે ધોનીએ એ વિશે હજી સુધી અમને કંઈ કહ્યું નથી.