બટલરના અણનમ 95 રને રાજસ્થાનને ચેન્નાઈ ઉપર જીત અપાવી

જયપુર – રાજસ્થાન રોયલ્સે આજે અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આઈપીએલ-11 લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપર 4-વિકેટથી વિજય મેળવીને પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવા માટે પોતાની આશા જીવંત રાખી છે. રાજસ્થાનનો આજનો વિજય વિકેટકીપર જોઝ બટલરના અણનમ 95 રનને આભારી છે.

ચેન્નાઈ ટીમે તેની 20 ઓવરમાં 4 વિકેટે 176 રન કર્યા હતા. તેના જવાબમાં, રાજસ્થાને 19.5 ઓવરમાં 6 વિકેટના ભોગે 177 રન કરીને મેચ જીતી લીધી હતી. બટલરે વિનિંગ શોટ માર્યો હતો અને બે રન દોડીને લીધા હતા. એણે 60 બોલના દાવમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

જોરદાર ફોર્મમાં રમનાર બટલરે આ સ્પર્ધામાં પોતાની સતત ચોથી હાફ સેન્ચુરી ફટકારી હતી.

બટલરને બાદ કરતાં રાજસ્થાનનો બીજો કોઈ બેટ્સમેન ઉલ્લેખનીય સ્કોર કરી શક્યો નહોતો. બેન સ્ટોક્સે 11, કેપ્ટન અજિંક્ય રહાણેએ 4, સંજુ સેમસને 21, પ્રશાંત ચોપરાએ 8, સ્ટુઅર્ટ બિન્નીએ 22, ક્રિષ્નપ્પા ગૌતમે 13 રન કર્યા હતા.

તે પહેલાં, ચેન્નાઈને 176 રનનો ચેલેન્જિંગ સ્કોર અપાવવામાં સુરેશ રૈના (52), શેન વોટસન (39), કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (33) અને સેમ બિલિંગ્સ (27)નું યોગદાન રહ્યું હતું.

પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નાઈ ટીમ 11 મેચોમાં 7 જીત અને 4 હાર સાથે બીજા નંબરે છે. જ્યારે રાજસ્થાન 11 મેચોમાં પાંચ જીત અને 6 હાર સાથે 6ઠ્ઠા સ્થાને છે.