વર્લ્ડ કપઃ પાકિસ્તાને બાબર આઝમની અણનમ સદીના જોરે ન્યૂઝીલેન્ડને 6-વિકેટથી હરાવ્યું

એજબેસ્ટન (બર્મિંઘમ) – અહીં આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6-વિકેટથી આસાનીથી પરાજય આપ્યો હતો.

સેન્ચુરી કરનાર બાબર આઝમ

મેચ આખરી ઓવરમાં ગઈ હતી, પણ પાકિસ્તાને એની બે ઓવર પહેલાંથી જ પોતાનો વિજય નિશ્ચિત કરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 237 રન કર્યા હતા. એના જવાબમાં પાકિસ્તાને બાબર આઝમના અણનમ 101, હેરિસ સોહેલના 68, મોહમ્મદ હફીઝના 32 રનના યોગદાનની મદદથી 49.1 ઓવરમાં 4 વિકેટના ભોગે 241 રન કરીને મેચ જીતી લીધી હતી.

કવર-પોઈન્ટ સ્થાને બાઉન્ડરીના રૂપમાં વિનિંગ શોટ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે માર્યો હતો.

70મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમેલા આઝમે 124 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા હતા. કારકિર્દીની આ તેની 10મી સદી છે. સામે છેડે, સોહેલ આક્રમક રીતે રમ્યો હતો અને 76 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 68 રન કર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 126 રનની મેચ-વિનિંગ ભાગીદારી કરી હતી.

આઝમને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને બંને ઓપનર ફખર ઝમાન (9) અને ઈમામ ઉલ હક (19)ને વહેલા તબક્કે ગુમાવી દીધા બાદ બાબર આઝમ અને મોહમ્મદ હફીઝ (32)એ ધબડકો થવા દીધો નહોતો. કેપ્ટન સરફરાઝ એહમદ પાંચ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સ્પર્ધામાં ન્યૂઝીલેન્ડનો આ પહેલો પરાજય થયો છે. 7 મેચમાં એ પાંચમાં જીત્યું છે, એક હાર્યું છે અને ભારત સામેની મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહી હતી.

પાકિસ્તાનનો બેસ્ટ બોલર રહ્યો શાહિન અફરીદી

સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાન માટે આજની મેચ જીતવી જરૂરી હતી, જે એણે જીતી બતાવી છે. હવે સેમી ફાઈનલના 4 સ્થાનો માટેની રસાકસી જામશે. હવે 3 જુલાઈએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ તથા પાંચ જુલાઈએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચો ક્વાર્ટર ફાઈનલ જેવી થશે.

અગાઉ, ન્યૂઝીલેન્ડના દાવમાં પાકિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર શાહિન અફરીદી 10 ઓવરમાં 28 રનમાં 3 વિકેટ લઈને ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવની વિશેષતા ઓલરાઉન્ડરો જેમ્સ નિશમના અણનમ 97 રન અને કોલીન ડી ગ્રેન્ડહોમના 64 રન અને બંને વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે 132 રનની ભાગીદારી હતા. કેપ્ટન કેન વિલિયમ્સન (41)ને બાદ કરતાં ન્યૂઝીલેન્ડનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. માર્ટિન ગપ્ટીલ પાંચ, કોલીન મુનરો 12, રોસ ટેલર 3 અને વિકેટકીપર ટોમ લેથમ 1 રન કરીને આઉટ થયો હતો. નિશમે 112 બોલના દાવમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાનના મોહમ્મદ અમીર (10 ઓવરમાં 67 રન) અને ઓફ્ફ સ્પિનર શાદાબ ખાન (10 ઓવરમાં 43 રન)એ એક-એક વિકેટ લીધી હતી.