કોહલીની સદી બેકાર ગઈ, ન્યૂ ઝીલેન્ડ ભારતને પહેલી વન-ડેમાં 6-વિકેટથી હરાવી ગયું

0
2115

મુંબઈ – અનુભવી રોસ ટેલર (95) અને વિકેટકીપર ટોમ લેધમ (103*) વચ્ચે ચોથી વિકેટ માટે થયેલી 200 રનની ભાગીદારીના જોરે ન્યૂ ઝીલેન્ડે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતને 6-વિકેટથી પરાજય આપ્યો છે અને ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે.

બીજી મેચ 25 ઓક્ટોબરે પુણેમાં રમાશે.

ભારતે તેના કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિસમાન સદીના જોરે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 280 રન કર્યા હતા. આ સ્કોરની સામે ન્યૂ ઝીલેન્ડ 80 રનમાં જ ટોચની 3 વિકેટ પડી જતાં હેબતાઈ ગયું હતું, પણ જમણેરી રોસ ટેલર અને ડાબોડી બેટ્સમેન લેધમે ભારતના બોલરોને જોરદાર વળતી લડત આપી હતી અને 200 રનની ભાગીદારી કરી હતી. 280 રનના સ્કોર પર ટેલર આઉટ થયો હતો ત્યારે પ્રવાસી ટીમને જીત માટે માત્ર એક જ રનની જરૂર હતી. એની જગ્યાએ રમવા આવેલા હેન્રી નિકોલ્સે પહેલા જ બોલમાં બાઉન્ડરી મારીને મેચનો અંત લાવી દીધો હતો.

ટેલરે 100 બોલનો સામનો કર્યો હતો અને 95 રનના સ્કોરમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. સામે છેડે, કીપર લેધમે 102 બોલના દાવમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. લેધમે વન-ડે કારકિર્દીમાં આ ચોથી સદી ફટકારી છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ ઓપનિંગ બેટ્સમેન કોલીન મુનરો (28), ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કેપ્ટન કેન વિલિયમ્સન (6) અને હાર્દિક પંડ્યાએ ઓપનર માર્ટિન ગપ્ટીલ (32)ને આઉટ કરીને ભારત માટે જીતની આશા બળવત્તર કરી હતી. પણ ત્યારબાદ ભારતને સફળતા હાથતાળી આપી ગઈ હતી.

અગાઉ, કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શિખર ધવન 9 અને રોહિત શર્મા 20 રન કરીને આઉટ થયા બાદ કોહલી સાથે કેદાર જાધવ (12) જોડાયો હતો. જાધવની વિકેટ બાદ દિનેશ કાર્તિકે 37 અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 25, હાર્દિક પંડ્યાએ 16 અને ભૂવનેશ્વર કુમારે 26 રનનું યોગદાન આપ્યું હતું. કારકિર્દીની 200મી વન-ડે રમતા કોહલીએ 111 બોલમાં તેની 31મી સદી પૂરી કરી હતી. આજની સદી સાથે એણે ઓસ્ટ્રેલિયાના નિવૃત્ત રિકી પોન્ટિંગને પાછળ રાખી દીધો છે, જેણે 30 સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં સદીના દ્રષ્ટિએ હવે કોહલીથી આગળ માત્ર સચીન તેંડુલકર જ છે, જેણે 49 સદી ફટકારી છે. સચીનના વિક્રમથી કોહલી હજી 18 સદી દૂર છે.

કોહલીએ તેની 200 મેચમાં 192 દાવમાં 31 સદી ફટકારી છે. સચીને તેના પહેલા 186 દાવમાં 16 અને પોન્ટિંગે તેના પહેલા 186 દાવમાં 15 સદી ફટકારી હતી. આમ, કોહલીએ એ બંને કરતાં ડબલ સ્પીડમાં સદીઓ ફટકારી છે.