કેરીબિયન બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરવામાં ધોનીએ માત્ર 0.08 સેકંડનો સમય લીધો હતો

મુંબઈ – ભારતીય વન-ડે ઈન્ટરનેશનલ ટીમના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની સ્ટમ્પ્સની પાછળની કામગીરી બજાવવામાં કેટલો ચિત્તા જેવી ઝડપ ધરાવે છે એ બહુ જાણીતી વાત છે.

331 વન-ડે મેચો રમીને ભરપૂર અનુભવ પ્રાપ્ત કરનાર ધોની આજે પણ એટલી જ ઝડપે હરીફ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરી શકે છે જેટલી તે કારકિર્દીની શરૂઆતમાં કરતો હતો.

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે રમાઈ ગયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ધોનીએ એવી જ એક વધુ કમાલ કરી બતાવી, પણ આ વખતે એની વ્યાપક રીતે નોંધ લેવાઈ છે. એણે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન કીમો પૌલને માત્ર 8.08 સેકંડના સમયમાં જ સ્ટમ્પ આઉટ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાના બોલને રમવા માટે પૌલ સહેજ ક્રીઝની બહાર નીકળ્યો હતો. બોલને રમવામાં એ બીટ થયો હતો અને ધોનીએ આંખના પલકારામાં સ્ટમ્પ પરથી બેઈલ્સ ઉડાવી દીધી હતી.

ધોની એની વન-ડે કારકિર્દીમાં અત્યાર સુધીમાં 115 સ્ટમ્પિંગ્સ કરી ચૂક્યો છે અને તે ODI ક્રિકેટના ઈતિહાસમાં વર્લ્ડ રેકોર્ડ છે.