કેપ્ટન કોહલીની 23મી ટેસ્ટ સદીએ ભારતને ત્રીજી ટેસ્ટમાં અપાવ્યું પ્રભુત્વ

0
723

નોટિંઘમ – અહીં ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત વિજય મેળવવાની સ્થિતિમાં છે. આજે મેચનો ચોથો દિવસ છે. ગઈ કાલે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 23 રન કર્યા હતા. મેચ જીતવા માટે એને ભારતે 521 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડ માટે હજી બે આખા દિવસનો સમય છે, પરંતુ દેખીતી રીતે આ મેચ મોટે ભાગે ભારતના તાબામાં આવી ગઈ છે.

ભારતને જીતની સ્થિતિમાં મૂકનાર છે કેપ્ટન વિરાટ કોહલીની બીજા દાવની શાનદાર સદી. જે એની કારકિર્દીની 23મી છે. એ 103 રન કરીને આઉટ થયો હતો. કોહલીએ પહેલા દાવમાં 97 રન કર્યા હતા.

ગઈ કાલે ત્રીજા દિવસે અંતિમ સત્રમાં હાર્દિક પંડ્યાએ એની કારકિર્દીની ચોથી હાફ સેન્ચૂરી પૂરી કરી એ સાથે જ કોહલીએ ભારતનો બીજો દાવ 7 વિકેટે 352 રનના સ્કોર પર ડિકલેર કરી દીધો હતો. ઈંગ્લેન્ડના પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર પંડ્યાએ બાવન બોલમાં 7 ચોગ્ગા, એક છગ્ગા સાથે અડધી સદી પૂરી કરી હતી અને 52 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ભારતના બીજા દાવમાં ચેતેશ્વર પૂજારાનું 72 રનનું યોગદાન અને કોહલી સાથે ત્રીજી વિકેટ માટે એણે કરેલી 114 રનની ભાગીદારીએ ભારતને મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરાવવામાં મહત્ત્તવનો ભાગ ભજવ્યો હતો. કોહલીએ 197 બોલનો સામનો કર્યો હતો અને 10 ચોગ્ગાની મદદથી 103 રન કર્યા હતા. એણે બાઉન્ડરી ફટકારીને પોતાની સદી પૂરી કરી એની સિદ્ધિ તથા ઘડીને સ્ટેન્ડમાં હાજર એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ તાળી પાડીને બિરદાવી હતી.

ઈંગ્લેન્ડ જો 521 રન કરી બતાવશે તો એ વર્લ્ડ રેકોર્ડ ચેઝ બનશે અને સાથોસાથ શ્રેણી વિજય પણ મેળવી લેશે. પાંચ-મેચોની સીરિઝની પહેલી બે ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડ હાલ 2-0થી આગળ છે.

કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વિશ્વ વિક્રમ દક્ષિણ આફ્રિકાના ગ્રેમ સ્મિથનો છે – 25 સદીનો. બીજા નંબરે રિકી પોન્ટિંગ (19, ઓસ્ટ્રેલિયા) છે અને ત્રીજા નંબરે વિરાટ કોહલી છે – 16 સદી સાથે.

ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં કોહલીની આ બીજી સેન્ચુરી છે. પહેલી, એજબેસ્ટન ટેસ્ટના પહેલા દાવમાં એણે 149 રન કર્યા હતા. વર્તમાન શ્રેણીમાં કોહલીનો અત્યાર સુધીનો સ્કોર આ મુજબ છે – 149,51,23,17,97,103. એણે 73.33ની સરેરાશ સાથે 440 રન કર્યા છે. આ સાથે એણે ઈંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે સૌથી વધુ રન કરવાનો મોહમ્મદ અઝહરુદ્દીનનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. અઝહરે 1990ની સીરિઝમાં 426 રન કર્યા હતા.