માસ્ટર ક્લાસ… નાગપુર ટેસ્ટમાં કોહલીએ ફટકારી પાંચમી ડબલ સેન્ચુરી

નાગપુર – અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાની ઉપર સંપૂર્ણ પકડ જમાવી દીધી છે. આજે ત્રીજા દિવસે ત્રીજા સત્રની રમતમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ડબલ સેન્ચુરી ફટકારી છે. એણે 259 બોલમાં 200 રન પૂરા કર્યા હતા.

62મી ટેસ્ટ મેચ રમતા કોહલીએ આ પાંચમી ડબલ સેન્ચુરી ફટકારી છે. એ બાદમાં વ્યક્તગિત 213 રન કરીને આઉટ થયો હતો.

કોહલીએ 200 રન પૂરા કર્યા એ સમયે ભારતો પહેલા દાવનો સ્કોર હતો 4 વિકેટે 567 રન. સામે છેડે રોહિત શર્મા 78 રન સાથે દાવમાં હતો.

કોહલીના આઉટ થયા બાદ ભારતે અશ્વિન (પાંચ)ની પણ વિકેટ ગુમાવી હતી. આખરે રોહિત શર્માએ તેની કારકિર્દીની ચોથી સદી પૂરી કરી લીધી એ સાથે જ કોહલીએ ભારતનો પહેલો દાવ 610-6 સ્કોર પર ડિકલેર કર્યો હતો. ભારતે શ્રીલંકા ઉપર 405 રનની લીડ હાંસલ કરી છે.

દિવસને અંતે શ્રીલંકાએ બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 21 રન કર્યા હતા. ભારત કરતાં પહેલા દાવમાં તે હજી 384 રન પાછળ છે.

ટોસ જીતીને બેટિંગ પસંદ કરનાર શ્રીલંકાનો પહેલો દાવ 205 રનમાં પૂરો થયો હતો.

કોહલીએ તેના 200 રનમાં 15 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

જોરદાર ફોર્મમાં રમતા કોહલીએ આ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 10 સદી ફટકારી છે. તે ગઈ કાલે 54 રન સાથે દાવમાં હતો.

કોહલીએ બ્રેડમેન, ગાવસકરનો રેકોર્ડ તોડ્યો

કોહલી એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે – 10 ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારનાર દુનિયાનો પહેલો કેપ્ટન બન્યો છે.

કોહલીએ કેપ્ટનના રૂપમાં પાંચ ડબલ સેન્ચુરી ફટકારવાના વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના વિક્રમની બરોબરી કરી છે તો સર ડોનાલ્ડ બ્રેડમેન, માઈકલ ક્લાર્ક અને ગ્રેમ સ્મીથના ચાર-ચાર ડબલ સેન્ચુરીના વિક્રમને તોડ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાના સુનીલ ગાવસકરના ભારતીય રેકોર્ડને કોહલીએ આજે તોડી નાખ્યો છે. એણે આજે ફટકારેલી સદી કારકિર્દીની 19મી અને કેપ્ટન તરીકે 12મી છે. એણે આ માટે 49 ઈનિંગ્ઝ લીધી છે. ગાવસકરે 11 સદી ફટકારી હતી અને 74 દાવ લીધા હતા.

ભારતે 2 વિકેટે 312 રનના તેના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો. ગઈ કાલે 121 રન સાથે નોટઆઉટ રહેલો ચેતેશ્વર પૂજારા આજે વ્યક્તિગત 143 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેની વિકેટ પડ્યા બાદ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે બે રન કરીને આઉટ થયો હતો. પણ ત્યારબાદ આવેલા રોહિત શર્માએ કેપ્ટન કોહલીને સાથ આપ્યો હતો અને બંનેએ ટીમનું વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.

પૂજારાની વિકેટ દાસુન શનાકા અને રહાણેની વિકેટ દિલરુવાન પરેરાએ લીધી હતી.

પૂજારાએ 362 બોલમાં 143 રન કર્યા હતા જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

બંને ટીમ વચ્ચે પહેલી, કોલકાતા ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.