IPL-2019: નો-બોલ છબરડા બદલ કોહલીએ મેચ રેફરીની ઝાટકણી કાઢી

બેંગલુરુ – ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી આવૃત્તિમાં ગુરુવારે અહીં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો પરાજય થયા બાદ બેંગલોર ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ખૂબ ભડકી ગયો હતો અને મેચ રેફરીની રૂમમાં ધસી ગયો હતો અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તે મેચમાં અમ્પાયરોના એક છબરડાને કારણે બેંગલોર ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, મેચ બાદની પ્રેઝન્ટેશન વિધિ બાદ કોહલી મેચ રેફરી મનુ નાયરની રૂમમાં ધસી ગયો હતો અને અપશબ્દો ઉચ્ચારીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

અહેવાલ અનુસાર, કોહલીએ મેચ રેફરીને એમ પણ કહ્યું હતું કે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ જો એને શિક્ષા કરવામાં આવશે તોય એને પરવા નથી.

બેંગલોર ટીમને જીત માટે છેલ્લી 4 ઓવરમાં 41 રન કરવાની જરૂર હતી અને તે જીત તરફ આગળ વધતી હતી. પરંતુ ત્યારબાદ મુંબઈના બે ફાસ્ટ બોલરો – જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાએ ઘાતક બોલિંગ કરીને બેંગલોરના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા અને મુંબઈ ટીમ છેવટે 6-રનથી મેચ જીતી ગઈ હતી.

પરંતુ, મેચના છેલ્લા બોલનો વિવાદ થયો હતો. બેંગલોર ટીમને છેલ્લા બોલમાં જીત માટે 6-રનની જરૂર હતી. મલિંગાએ ફેંકેલો તે બોલ સ્પષ્ટપણે નો-બોલ હતો, પરંતુ અમ્પાયર એસ. રવિએ તેને નો-બોલ જાહેર કર્યો નહોતો.

પ્રેઝન્ટેશન સેરેમની વખતે પણ કોહલીએ અમ્પાયરની ટીકા કરતાં કહ્યું હતું કે અમે આઈપીએલ લેવલની ગેમ રમીએ છીએ, કોઈ ક્લબ લેવલની નહીં. અમ્પાયરોએ એમની આંખો બરાબર ખુલ્લી રાખવી જોઈએ. એ લોકોએ વધારે કાળજી રાખવી જોઈએ.

મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ પણ કોહલીના નિવેદનને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારની ભૂલ થવી ન જોઈએ, કારણ કે એનાથી મેચનું પાસું પલટાઈ જાય.