કિદામ્બી શ્રીકાંત બન્યો ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ વિજેતા

પેરિસ – ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આ વર્ષમાં એનું જોરદાર ફોર્મ જાળવી રાખીને આજે જાપાનના કેન્તા નિશીમોતોને મેન્સ સિંગલ્સ ફાઈનલમાં 21-14, 21-13થી હરાવીને ફ્રેન્ચ ઓપન સુપરસિરીઝ ટાઈટલ જીતી લીધું છે.

શ્રીકાંતે મેચના આરંભથી જ તેના જાપાની હરીફ પર વર્ચસ્વ જમાવ્યું હતું.

શ્રીકાંતે 34 મિનિટમાં જ મેચ જીતી લીધી હતી.

આઠમા ક્રમાંકિત શ્રીકાંતનો નિશીમોતો પર આ બીજો વિજય છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં બે મુકાબલા થયા છે અને બંનેમાં શ્રીકાંત વિજયી થયો છે.

આ ૨૦૧૭ના વર્ષમાં શ્રીકાંતે આ ચોથું સુપરસિરીઝ ટાઈટલ જીત્યું છે. ફ્રેન્ચ ઓપન પૂર્વે એ ઈન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયા ઓપન અને ડેન્માર્ક ઓપન જીત્યો હતો. એક જ કેલેન્ડર વર્ષમાં ચાર-ચાર સુપરસિરીઝ ટાઈટલ જીતનાર એ પહેલો જ ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો છે.