દેશભરના એથ્લીટ્સ ખુશઃ સ્પોર્ટ્સના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં રૂ. 2,196 કરોડની ફાળવણી

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા વર્ષ 2018-19ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના સ્પોર્ટ્સ અને યુવા મંત્રાલય માટે કુલ રૂ. 2,196.35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં, સૌથી વધારે ફાયદો ‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમને થયો છે.

‘ખેલો ઈન્ડિયા’ એ સ્પોર્ટ્સ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોરનો માનીતો પ્રોજેક્ટ છે. ‘ખેલો ઈન્ડિયા’ દેશમાં પાયાના સ્તરે ખેલકૂદને પુનર્જિવિત કરવા માટેનો પ્રોજેક્ટ છે. આગામી વર્ષ માટેના બજેટમાં આ પ્રોજેક્ટ માટે રૂ. 520.09 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગયા વર્ષે આ પ્રોજેક્ટ માટે રૂ. 170 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

દેશમાં ખેલકૂદના સમગ્ર વિકાસ માટે સ્પોર્ટ્સ મંત્રાલયને ગયા વર્ષના બજેટમાં રૂ. 1,938 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે એ ફાળવણી વધારીને રૂ. 2,196 કરોડ કરવામાં આવી છે.

તેમ છતાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નુકસાન ગયું છે. એના માટેના ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષના બજેટની સરખામણીમાં આ વર્ષે SAI માટેની નાણાકીય જોગવાઈમાં રૂ. 66 કરોડ ઘટાડી દેવામાં આવ્યા છે. એને વર્ષ 2018-19 માટે રૂ. 429.56 કરોડ મળશે.

આ વર્ષે બે મોટા રમતોત્સવનું આયોજન કરવામાં આવનાર છે – કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ. ત્યારબાદ 2020માં ટોકિયો શહેરમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાનો છે. SAI માટેના બજેટમાં કાપ મૂકાશે એવું કોઈએ ધાર્યું નહોતું. પરંતુ, જેટલીએ એમના બજેટમાં રમતવીરોને ઈનામો આપવા માટે તથા રાષ્ટ્રીય ખેલકૂદ સંગઠનોને સહાયતા કરવા પર વધારે ભાર મૂક્યો છે.

રમતવીરો માટેના નેશનલ વેલ્ફેર ફંડ માટેની ફાળવણી રૂ. 334.31 કરોડથી વધારીને રૂ. 374 કરોડ કરવામાં આવી છે.

સરકારે જમ્મુ અને કશ્મીરમાં ખેલકૂદ સુવિધાઓ વધારવા માટેની ફાળવણીમાં કાપ મૂક્યો છે. અગાઉ રાજ્યને રૂ. 75 કરોડની ફાળવણી કરાઈ હતી, પણ આ વર્ષે માત્ર રૂ. 50 કરોડ અપાશે.

નેશનલ પ્રોગ્રામ ફોર ડેવલપમેન્ટ ઓફ સ્પોર્ટ્સ માટે રૂ. 1262.79 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગયા વર્ષે રૂ. 1047.19 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ખેલો ઈન્ડિયા આ જ વિભાગનો એક હિસ્સો છે.