કોચ રવિ શાસ્ત્રી દ્વારા ‘મેન ઓફ ધ સિરીઝ’ બુમરાહની પ્રશંસા

તિરુવનંતપુરમ – ભારતે ગઈ કાલે અહીં નવા બંધાયેલા ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૬-રનથી પરાજય આપ્યો હતો. ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી.

વરસાદને કારણે મેચનો ઘણો ખરો સમય વેડફાઈ જતાં મેચને ટીમ દીઠ ૮-૮ ઓવરની કરી દેવી પડી હતી. ભારતે પોતાની ૮ ઓવરમાં ટોપ સ્કોરર મનીષ પાંડેના ૧૭ રન સહિત પાંચ વિકેટે ૬૭ રન કર્યા હતા. તેના જવાબમાં પ્રવાસી ટીમ ૮ ઓવરમાં ૬ વિકેટે ૬૧ રન જ કરી શકી હતી.

ત્રીજી મેચમાં ભારતના વિજયમાં મુખ્ય યોગદાન રહ્યું ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું, જેણે ૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. એને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ભારતે દિલ્હીમાં પહેલી મેચ જીત્યા બાદ રાજકોટમાં ન્યૂ ઝીલેન્ડ વિજયી થયું હતું.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ બુમરાહની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ સ્પર્ધામાં બુમરાહનો ટેમ્પરામેન્ટ અસાધારણ રહ્યો હતો. એણે સાબિત કરી આપ્યું છે કે પોતે કોઈ પણ ફોર્મેટની ગેમમાં સારો બોલિંગ દેખાવ કરી શકે છે. એમાંય સૌથી વધારે મહત્વનું એ છે કે એ વિચારશીલ બોલર છે.