IPL2019: રાજસ્થાન સામે પંજાબ જીત્યું, પણ કેપ્ટન અશ્વિન વિવાદમાં સપડાયો

જયપુર – ગઈ કાલે રાતે અહીં રમાઈ ગયેલી આઈપીએલ-2019ની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 14 રનથી હાર આપી હતી, પણ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાનના નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન જોસ બટલરને જે રીતે રનઆઉટ કર્યો હતો એનો વિવાદ થયો છે.

અશ્વિને બોલ ફેંકતા પહેલાં જ ક્રીઝ  છોડીને આગળ નીકળી ગયેલા રાજસ્થાનના બેટ્સમેન બટલરને રનઆઉટ કરી દીધો હતો. અશ્વિને સ્ટમ્પ્સ પરની બેઈલ્સ પાડી દીધી હતી. આઈપીએલ સ્પર્ધાના ઈતિહાસમાં આ પહેલો જ બનાવ બન્યો છે. આને ‘માંકડિંગ’ (Mankading) રનઆઉટ કહેવાય છે.

એ ઘટના રાજસ્થાનના દાવની 13મી ઓવરમાં થઈ હતી. અશ્વિને રનઆઉટ કર્યો એ વખતે બટલર 43 બોલમાં 69 રન સાથે દાવમાં હતો અને એ રાજસ્થાન ટીમને જીતાડે એવી સ્થિતિમાં હતો, પણ અશ્વિને એને ‘માંકડિંગ’ રનઆઉટ કરી દેતાં રાજસ્થાનની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ગઈ કાલે, મેચ બાદ અશ્વિને પોતાની હરકતનો એમ કહીને બચાવ કર્યો હતો કે બેટ્સમેનોને ખબર હોવી જ જોઈએ કે આ રીતે ક્રીઝની બહાર નીકળી ન જવાય.

અશ્વિનની આ હરકતની ઈન્ટરનેટ પર ટીકા થઈ છે. નિયમાનુસાર અશ્વિન બરાબર હતો, પણ એવી દલીલ છે કે બોલરે આ રીતે રનઆઉટ કરતા પહેલાં એક વાર તો એ બેટ્સમેનને ચેતવણી આપવી જોઈએ.

પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 184 રન કર્યા હતા. એના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. 47 બોલમાં 8 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 79 રન કરનાર પંજાબના ક્રિસ ગેલને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનના ઓપનર અને વિકેટકીપર જોસ બટલરે તેના દાવમાં બે છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

અશ્વિને રનઆઉટ કર્યા બાદ એની અને બટલર વચ્ચે દલીલબાજી થઈ હતી. બટલરને આશ્ચર્ય એ વાતનું થયું કે અશ્વિન જેવા સિનિયર ખેલાડીએ આવું કર્યું.

ક્રિકેટના નિયમો અનુસાર થર્ડ અમ્પાયરે બટલરને રનઆઉટ જાહેર કર્યો હતો, પરંતુ અશ્વિનની આ હરકતને ક્રિકેટની ભાવનાથી વિપરીત પણ માનવામાં આવી છે.

1992-93માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરિઝ વખતે કપિલ દેવે દક્ષિણ આફ્રિકાના પીટર કર્સ્ટનને માંકડિંગ રીતે આઉટ કર્યો હતો.

કાયદાનું નામ ‘માંકડિંગ’ કેવી રીતે પડ્યું?

ક્રિકેટના આ કાયદાને ‘માંકડ’ નામ ભારતના સ્પિનર વિનુ માંકડના નામ પરથી આપવામાં આવ્યું છે. વિનુભાઈ માંકડે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બિલ બ્રાઉનને આ રીતે બે વાર આઉટ કર્યા હતા. 1947ની 13 ડિસેંબરે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ વખતે વિનુ માંકડે બિલ બ્રાઉનને અનોખી રીતે રનઆઉટ કર્યા હતા.

‘માંકડ’ કાયદો 2017ના અંતભાગમાં સુધારા સાથે અમલમાં આવ્યો હતો.

શરૂઆતમાં, બોલરને ત્યારે જ નોન-સ્ટ્રાઈકર બેટ્સમેનને રનઆઉટ કરવાની પરવાનગી અપાઈ હતી જ્યારે પોતે બોલિંગની એક્શન શરૂ કરે એ પહેલાં. પરંતુ, નવા કાયદા અનુસાર, બોલરને એ સ્થિતિમાં નોન-સ્ટ્રાઈકરને રનઆઉટ કરવાની છૂટ અપાઈ છે જ્યારે બોલ ફેંકતી વખતે એને જણાય કે બેટ્સમેન બોલ ફેંકાયા પહેલાં જ ક્રીઝમાંથી બહાર નીકળી ગયો છે.

જો બોલર નોન-સ્ટ્રાઈકર બેટ્સમેનને રનઆઉટ કરવામાં નિષ્ફળ જાય તો અમ્પાયર શક્ય એટલું જલદી તે બોલને ‘ડેડ બોલ’ તરીકે જાહેર કરી શકે.

વિવાદાસ્પદ રનઆઉટની વિડિયો ક્લિપ જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

Ashwin Mankads Buttler