IPL 2019નું કાઉન્ડડાઉન શરૂઃ મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેનિંગ શરૂ કરી

મુંબઈ – ભારતભરમાં અતિ લોકપ્રિય થયેલી અને ક્રિકેટશોખીન દેશોમાં જાણીતી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (IPL)ની 2019ની મોસમનો આવતી 23 માર્ચથી થઈ રહ્યો છે. સ્પર્ધાની પહેલી મેચ ગયા વર્ષની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે.

ત્રણ વાર ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એની પ્રી-સીઝન ટ્રેનિંગ કેમ્પ આજથી નવી મુંબઈમાં શરૂ કરી દીધી છે.

12મી આઈપીએલ સ્પર્ધાના આરંભ પૂર્વે પોતાની ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યા અંગે મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અનેક ટ્વીટ્સ દ્વારા આની જાણકારી આપી છે.

તાલીમ શિબિરમાં પંડ્યા બંધુઓ પણ જોડાયા છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા, બંને ઓલરાઉન્ડર છે અને ટીમના હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓ છે. આ તાલીમ શિબિર નવી મુંબઈના ઘણસોલી નગરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં શરૂ કરવામાં આવી છે.

આ શિબિરમાં જોડાયેલા અન્ય ખેલાડીઓ છે – ઓફ્ફ સ્પિનર જયંત યાદવ, લેગસ્પિનર રાહુલ ચહર, ફાસ્ટ બોલર બેરિન્દર શ્રાન, રશીખ સાલમ, મિચેલ મેકક્લેનેગન અને વિકેટકીપર ઈશાન કિશન.

આ તાલીમ શિબિર સપ્તાહાંત સુધી ચાલશે. ત્યારબાદ ખેલાડીઓ મુંબઈમાં શિફ્ટ થશે જ્યાં વાનખેડે સ્ટેડિયમ ખાતે 17 માર્ચથી તેઓ તાલીમ લેવાનું શરૂ કરશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે, રોહિત શર્મા. આ ટીમ તેની પહેલી મેચ 24 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે.