કોહલીએ તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; ODIમાં સૌથી ઝડપે 10,000 રન પૂરા કર્યા

વિશાખાપટનમ – ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ આજે સુવર્ણ અક્ષરોમાં લખાવ્યું છે. એણે અહીં વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતી વખતે પોતાના દાવમાં 81 રન કર્યા એ સાથે જ વન-ડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કરી લીધા છે.

આ સિદ્ધિ હાંસલ કરીને કોહલીએ દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરનો વિશ્વ વિક્રમ તોડ્યો છે. કોહલીએ 214મી વન-ડે મેચમાં, 205મા દાવમાં 10,000 રન પૂરા કર્યા છે. તેંડુલકરે 10,000 રન કરવા માટે 259 દાવ લીધા હતા.

કોહલીએ 54 દાવ ઓછા રમીને આ સિદ્ધિ હાંસલ કરી છે. વન-ડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર કોહલી પાંચમો ભારતીય અને વિશ્વમાં 13મો બેટ્સમેન બન્યો છે. કોહલી અને તેંડુલકર (18,426) ઉપરાંત અન્ય ભારતીય બેટ્સમેનો છે – સૌરવ ગાંગુલી (11,363), રાહુલ દ્રવિડ (10,889), મહેન્દ્ર સિંહ ધોની. પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો 10,000 રન બનાવી ચૂક્યા છે.

કોહલીએ તેના રન કરવા માટે લીધેલા દાવની વિગત…

1 હજાર રન – 24 દાવમાં

2 હજાર રન – 53 દાવમાં

3 હજાર રન – 75 દાવમાં

4 હજાર રન – 93 દાવમાં

5 હજાર રન – 114 દાવમાં

6 હજાર રન – 136 દાવમાં

7 હજાર રન – 161 દાવમાં

8 હજાર રન – 175 દાવમાં

9 હજાર રન – 194 દાવમાં

10 હજાર રન – 205 દાવમાં