કોહલી અને સાથીઓ પહોંચ્યા ન્યૂઝીલેન્ડમાં; પાંચ વન-ડે, 3 T20I મેચો રમશે

0
1677

ઓકલેન્ડ – વિરાટ કોહલી અને એના સાથીઓ ન્યૂઝીલેન્ડ સામે મર્યાદિત ઓવરોવાળી શ્રેણીઓ રમવા માટે આજે અહીં આવી પહોંચ્યા હતા.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં રાષ્ટ્રીય ટીમ સામે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમશે.

કોહલી અને તેના સાથીઓ પડોશના ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન-ડે શ્રેણીઓ જીતીને આવ્યા છે. આવું પરાક્રમ કરી બતાવનાર કોહલી ભારતનો પહેલો જ કેપ્ટન બન્યો છે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં ત્રણ અઠવાડિયા સુધી રહેશે. બંને ટીમ વચ્ચેની પહેલી વન-ડે મેચ 23 જાન્યુઆરીએ રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમે ઓકલેન્ડ એરપોર્ટ પર આગમન કર્યું એનો એક નાનો વિડિયો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સોશિયલ મિડિયા પર અપલોડ કર્યો છે. એરપોર્ટ પર ટીમના ખેલાડીઓને નાની સંખ્યામાં હાજર ભારતીય સમર્થકોએ હર્ષનાદો સાથે આવકાર આપ્યો હતો.

કેદાર જાધવ અને દિનેશ કાર્તિકે એરપોર્ટની બહાર આવકારવા માટે ઊભેલા સમર્થકોને ઓટોગ્રાફ આપ્યા હતા. કેપ્ટન કોહલી અને એની પત્ની અનુષ્કા શર્મા જેવા દેખાયા ત્યારે ભારતીય સમર્થકોએ સૌથી મોટા અવાજે આનંદની ચિચિયારીઓ પાડી હતી.

ભારતીય ટીમ હવે સોમવારે સવારે નેપીયર જવા રવાના થશે અને ત્યાં બુધવારે વન-ડે મેચ રમશે.

બીજી અને ત્રીજી વન-ડે ટોરન્ગા (26 અને 28 જાન્યુઆરીએ), ચોથી મેચ હેમિલ્ટનમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી મેચ 3 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો વેલિંગ્ટન (6 ફેબ્રુઆરી), ઓકલેન્ડ (8 ફેબ્રુઆરી), હેમિલ્ટનમાં 10 ફેબ્રુઆરીએ રમાશે.

વન-ડે ઈન્ટરનેશનલ મેચો ભારતીય સમય મુજબ સવારે 7.30 વાગ્યાથી શરૂ થશે જ્યારે 3 ટ્વેન્ટી-20 મેચો શરૂ થવાનો સમય ભારતીય સમય મુજબ બપોરે 12.30નો રહેશે.