ફાઈનલમાં બાંગ્લાદેશને છેલ્લા બોલે 3 વિકેટથી હરાવી ભારત સાતમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું

દુબઈ – ભારતે આજે અહીં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટથી હરાવીને સાતમી વાર એશિયા કપ વિજેતાપદ હાંસલ કર્યું છે અને ગઈ વેળા જીતેલી ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે.

સાથળનો સ્નાયૂ ખેંચાઈ જવાની તકલીફ છતાં કેદાર જાધવ દાવ લેવા ફરી મેદાનમાં હાજર થયો અને…

બાંગ્લાદેશે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ 48.3 ઓવરમાં 222 રન કર્યા હતા. તેના જવાબમાં, ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 223 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓલરાઉન્ડર કેદાર જાધવ ઈજાગ્રસ્ત હોવા છતાં છેલ્લા બોલ સુધી ટકી રહ્યો હતો અને 23 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સૌમ્ય સરકારે ફેંકેલી મેચની છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 6 રનની જરૂર હતી અને છેલ્લા બોલે 1 રનની જરૂર હતી. જાધવ સ્ટ્રાઈક પર હતો અને લેગબાય મળતાં ભારત જીતી ગયું હતું.

ભારતના દાવમાં, કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 48, દિનેશ કાર્તિકે 37, મહેન્દ્ર સિંહ ધોનીએ 36, રવિન્દ્ર જાડેજાએ 23, ભૂવનેશ્વર કુમારે 21, કુલદીપ યાદવે અણનમ પાંચ રન કર્યા હતા.

કેદાર જાધવે આજે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. બેટિંગમાં છેક સુધી ક્રીઝ પર રહ્યો એ પહેલાં બાંગ્લાદેશના દાવમાં એણે 9 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. એણે જ મેહદી હસન (32)ને આઉટ કરીને ઓપનિંગ જોડી તોડી હતી. બાંગ્લાદેશની પહેલી વિકેટ છેક 120 રનના સ્કોર પર પડી હતી. જાધવે ત્યારબાદ વિકેટકીપર મુશ્ફીકુર રહી (5)ને પણ આઉટ કર્યો હતો.

ભારતની જીતને લીધે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે કારકિર્દીની પહેલી જ સદીના રૂપમાં ફટકારેલા 121 રન ફોગટ ગયા.

લિટન દાસ (121)ને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને સમગ્ર શ્રેણીમાં કુલ 342 રન કરનાર શિખર ધવનને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.