પિચ, આઉટફિલ્ડની ખરાબ હાલતથી નારાજ થયેલી ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચ ટૂંકાવી દીધી

ચેમ્સફોર્ડ – અહીંના મેદાનની પિચ તથા આઉટફિલ્ડની હાલત ખરાબ હોવાને કારણે ભારતે એસેક્સ કાઉન્ટી ટીમ સામે 25 જુલાઈના બુધવારથી શરૂ થનાર તેની ચાર-દિવસીય પ્રેક્ટિસ મેચને ઘટાડીને ત્રણ દિવસની કરાવી દીધી છે. મતલબ કે આ મેચ શનિવારને બદલે શુક્રવારે પૂરી થઈ જશે. પિચ અને આઉટફિલ્ડને કારણે ભારતીય ટીમ નારાજ થઈ છે અને ઈંગ્લેન્ડ સામે 1 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ પૂર્વે પ્રેક્ટિસ કરવાની તકને પડતી મૂકી દીધી છે.

પિચનું નિરીક્ષણ કર્યા બાદ આજે બપોરની નેટ પ્રેક્ટિસ વખતે ભારતીય ટીમ મેનેજમેન્ટે ઉપર મુજબનો નિર્ણય લીધો હતો. મેચ શા માટે ટૂંકાવી દેવામાં આવી એ વિશે સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી ઘાસવાળી પિચ અને ફિલ્ડિંગ કરતી વખતે ખેલાડીને ઈજા પહોંચાડી શકે એવી ઉજ્જડ હાલતના આઉટફિલ્ડને જોઈને સ્થાનિક અધિકારીઓ સાથે દલીલબાજી કરતા જોવા મળ્યા હતા.

સહાયક કોચ સંજય બાંગડ અને બોલિંગ કોચ ભરત અરૂણ સહિત ભારતીય સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોએ પણ પિચ, આઉટફિલ્ડનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓ પણ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે દલીલો કરતા જોવા મળ્યા હતા.

એસેક્સ સામેની મેચને ફર્સ્ટ-ક્લાસ મેચ ગણવામાં આવી નથી.

ગ્રાઉન્ડ સ્ટાફના એક સિનિયર સભ્યએ પીટીઆઈ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટની તમામ વિનંતીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચના ચોથા દિવસની રમતને રદ કરાવી દીધી છે, પણ ઓવલ કાઉન્ટી ગ્રાઉન્ડના સંચાલકોએ શનિવારના ચોથા દિવસની મેચની ટિકિટો પણ વેચી દીધી છે.

આઉટફિલ્ડ પર જરાય ઘાસ જોવા મળ્યું નહોતું, જ્યારે પિચ ઉપર વધારે પડતું ઘાસ જોવા મળ્યું હતું. આવી હાલતમાં રમીને પોતાનો કોઈ ખેલાડી ઘાયલ થાય એવું ભારતીય ટીમ ઈચ્છતી નથી.

ભારતીય ખેલાડીઓએ આજે લગભગ ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી. ખેલાડીઓ બે જૂથમાં અત્રે આવ્યા હતા. ચેતેશ્વર પૂજારા, મુરલી વિજય, કેપ્ટન વિરાટ કોહલીએ સ્લિપ ફિલ્ડિંગ પર વધુ ધ્યાન આપ્યું હતું.

ભારતીય ટીમ આવતા શનિવારે બર્મિંઘમ જવા રવાના થશે જ્યાં 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ શરૂ થનાર છે.