ટીમ ઈન્ડિયા શહેનશાહઃ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદા સતત ત્રીજા વર્ષે જાળવી રાખી

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) અને તે માટે મળતું રૂ. 10 લાખ ડોલર (લગભગ 6.92 કરોડ રૂપિયા)નું ઈનામ આ વખતે સતત ત્રીજા વર્ષે પણ જાળવી રાખ્યા છે. ભારતીય ટીમે ટેસ્ટ ટીમ રેન્કિંગ્સમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. આ માટે 1 એપ્રિલની કટ-ઓફ્ફ ડેટ નક્કી કરવામાં આવી હતી.

જે ટીણ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયન બને એને આ વિશિષ્ટ ગદા આપવામાં આવે છે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે આ ગદા છેલ્લા બે વર્ષથી સ્વીકારતો આવ્યો છે અને આ વખતે ત્રીજા વર્ષે પણ હાંસલ કરશે.

ભારતીય ટીમ છેલ્લા 29 મહિનાથી ટેસ્ટ ક્રિકેટમાં બાદશાહ બની રહી છે.

1 એપ્રિલની કટ-ઓફ્ફ તારીખે ભારતીય ટીમે કુલ 116 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા અને તે બીજી બધી ટીમો કરતાં વધુ છે. બીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે, જેણે 108 પોઈન્ટ મેળવ્યા છે. એને પાંચ લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે.

વિશ્વમાં ક્રિકેટની રમતનું સંચાલન કરતી આઈસીસી સંસ્થાએ આજે નવા રેન્કિંગ્સ બહાર પાડ્યા હતા.

યાદીમાં ત્રીજા નંબરે સાઉથ આફ્રિકા છે (105 પોઈન્ટ અને બે લાખ ડોલરનું ઈનામ) જ્યારે ચોથા નંબરે ઓસ્ટ્રેલિયા અને પાંચમા નંબરે ઈંગ્લેન્ડ છે.

આઈસીસીના નવા ચીફ એક્ઝિક્યૂટિવ બનેલા મનુ સાહનીએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા છે.