T20 ટ્રાઈ-સિરીઝની મેચમાં ભારતે શ્રીલંકાને 6-વિકેટથી હરાવ્યું

કોલંબો – બોલરો અને બેટ્સમેનોના સહિયારા પ્રયાસના જોરે ભારતે આજે અહીં નિદાહાસ ટ્રોફી માટેની ટ્વેન્ટી-20 ક્રિકેટ ટ્રાઈ-સિરીઝની મેચમાં શ્રીલંકાને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતે સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકાના હાથે થયેલા પરાજયનો બદલો લઈ લીધો છે.

ભારતીય ટીમનો આ સતત બીજો વિજય છે અને હવે તે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. ભારત હવે 14 માર્ચે બાંગ્લાદેશ સામે રમશે. આ ટીમ સામે ભારત પહેલી મેચ જીત્યું હતું. સ્પર્ધાની ફાઈનલ મેચ 18 માર્ચે રમાશે.

વરસાદને કારણે આઉટફિલ્ડ ભીનું રહેવાથી મેચ મોડી શરૂ કરાઈ હતી અને ટીમદીઠ 19-19 ઓવરોની કરવામાં આવી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. શ્રીલંકાની ટીમે 19 ઓવરમાં 9 વિકેટે 152 રન કર્યા હતા. ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

ભારતે ટાર્ગેટ મળ્યા બાદ 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન કરીને મેચ જીતી લીધી હતી. મનીષ પાંડે 42 અને દિનેશ કાર્તિક 39 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ભારતે ગુમાવેલી ચાર વિકેટ છે – રોહિત શર્મા 11, શિખર ધવન 8, લોકેશ રાહુલ 18 અને સુરેશ રૈના 27.

શ્રીલંકાના દાવમાં કુશલ મેન્ડિસે સૌથી વધુ – 55 રન કર્યા હતા.