ભારતે પહેલી T20Iમાં દક્ષિણ આફ્રિકાને 28-રનથી હરાવ્યું; ભૂવનેશ્વરની 5-વિકેટ

જોહાનિસબર્ગ – ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં વોન્ડરર્સ ખાતે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 28-રનથી હરાવી દીધું છે અને ત્રણ-મેચોની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

28 રનમાં પાંચ વિકેટઃ ભૂવનેશ્વર ‘પ્લેયર ઓફ ધ મેચ’

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન જ્યાં-પૌલ ડુમિનીએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.

ભારતે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના શાનદાર 72 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 203 રન કર્યા હતા.

તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 179 રન જ કરી શકી હતી. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાના પરાજયમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

જયદેવ ઉનડકટ, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમમાં રીઝા હેન્ડ્રીક્સ 70 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. ફરહાન બેહરડીન (39) અને હેન્ડ્રીક્સની જોડી દાવમાં હતી ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાને જીતની આશા હતી, પણ 129 રનના સ્કોર પર ચહલે બેહરડીનને આઉટ કરીને ભારત માટે વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. ઈજાગ્રસ્ત એબી ડી વિલિયર્સની જગ્યાએ ટીમનું સુકાન સંભાળનાર કેપ્ટન ડુમિનીએ 3 રન કર્યા હતા.

અગાઉ, ધવને માત્ર 39 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 72 રન ઝૂડી કાઢ્યા હતા. કારકિર્દીમાં આ તેની ચોથી હાફ સેન્ચુરી છે. ભારતના અન્ય સ્કોરર્સ આ પ્રમાણે રહ્યાઃ રોહિત શર્મા 21, સુરેશ રૈના 15, કેપ્ટન વિરાટ કોહલી 26, મનીષ પાંડે અણનમ 29, મહેન્દ્ર સિંહ ધોની 16 અને હાર્દિક પંડ્યા અણનમ 13.

બંને ટીમ વચ્ચે બીજી ટ્વેન્ટી-20 મેચ 21 ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ સિરીઝમાં ભારતને 2-1થી પરાજય આપ્યો હતો, ત્યારબાદ છ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ભારતે 5-1થી ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.