સેમી ફાઈનલમાં પાકિસ્તાનને 203 રનથી હરાવી ભારત U-19 WC ફાઈનલમાં; ઓસ્ટ્રેલિયા સાથે મુકાબલો

0
1426

ક્રાઈસ્ટચર્ચ – ભારતના 19 વર્ષની નીચેની વયના યુવા ક્રિકેટરોએ આજે અહીં આઈસીસી અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 203 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

હવે 3 ફેબ્રુઆરીએ રમાનારી ફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે, જેણે પહેલી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો. ફાઈનલ મેચ 3 ફેબ્રુઆરીએ ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગ્યે રમાસે.

ત્રણ વખત અન્ડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકેલા ભારતના કેપ્ટન પૃથ્વી શૉએ આજની મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 9 વિકેટે 272 રન કર્યા હતા. શુભમાન ગિલે 102 રન કર્યા હતા. આ વર્લ્ડ કપમાં સદી ફટકારનાર તે પહેલો ભારતીય બન્યો છે. એણે 93 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

કેપ્ટન પૃથ્વી શૉએ તેનું ફોર્મ જાળવી રાખીને 41 રન કર્યા હતા અને મનજોત કાલરા (47) સાથે મળીને પહેલી વિકેટ માટે 15.3 ઓવરમાં 89 રન કર્યા હતા. આ જોડી તૂટ્યા બાદ ગિલે બેટિંગનો સઘળો ભાર પોતાના ખભે લઈ લીધો હતો. એણે પોતાના દાવમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. અનુકૂલ રોયે 33 રનનું યોગદાન આપ્યું હતું.

ત્યારબાદ ભારતના બોલરોએ જોરદાર તરખાટ મચાવીને પાકિસ્તાનને માત્ર 69 રનમાં જ તંબૂભેગું કરી દીધું હતું. પાકિસ્તાની બેટ્સમેનો માત્ર 29.3 ઓવરનો જ સામનો કરી શક્યા હતા.

મધ્યમ ઝડપી બોલર ઈશાન પોરેલે 6 ઓવરમાં 17 રનમાં 4 વિકેટ ઝડપી છે. આ ચારેય વિકેટ એણે પાકિસ્તાનના દાવના આરંભમાં જ ઝડપી હતી અને એને કારણે પાકિસ્તાનની બેટિંગ ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. શિવા સિંહ અને રિયાન પગારે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી તો અનુકૂલ રોય અને અભિષેક શર્માએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.