ભારતે રાંચીમાં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાને 9-વિકેટથી હરાવ્યું

0
1504

રાંચી – અહીં JSCA સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9-વિકેટથી પરાસ્ત કરી દીધું છે. આ જીત સાથે ભારતે 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

વરસાદના અવરોધને કારણે મેચની મજા બગડી ગઈ હતી, પણ ભારતીય ટીમે ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર એને મળેલા નવા ટાર્ગેટને ચેઝ કરીને મેચ જીતી બતાવી છે.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 18.4 ઓવરમાં 8 વિકેટે 118 રન કર્યા હતા ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદે રમતનો ખાસ્સો એવો હિસ્સો બગાડ્યા બાદ અમ્પાયરોએ મેચને 6 ઓવર સુધી સીમિત કરી હતી અને ભારતને 6 ઓવરમાં જીત માટે 48 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતે રોહિત શર્મા (11)ની વિકેટ ગુમાવીને 5.3 ઓવરમાં 49 રન કરીને મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી 22 અને શિખર ધવન 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

એ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનીની ચુસ્ત બોલિંગ અને કડક ફિલ્ડિંગને કારણે રન કરવામાં છૂટ લઈ શક્યા નહોતા. એકમાત્ર આરોન ફિન્ચે પ્રતિકાર કરીને 42 રન કર્યા હતા. એ સિવાય બીજા કોઈ બેટ્સમેને ઉલ્લેખનીય સ્કોર કર્યો નહોતો. કેપ્ટન ડેવીડ વોર્નરે 8 રન કર્યા હતા. ગ્લેન મેક્સવેલ અને વિકેટકીપર ટીમ પેઈને 17-17 રન કર્યા હતા. ટ્રેવિસ હેડ, હેન્રીક મોઈઝીસ, ડેનિયલ ક્રિશ્ચન, નેશન કુલ્ટર-નાઈલ સસ્તામાં આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરા અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે વ્યક્તિગત બે વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

બીજી T20I મેચ 10 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે અને ત્રીજી તથા સિરીઝની છેલ્લી મેચ 13 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

ભારતે ઓસ્ટ્રેલિયાને આ સતત સાતમી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં હરાવ્યું છે.

વિરાટ કોહલી અને તેના સાથીઓએ આ પહેલાં પાંચ મેચોની વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી પરાજીત કર્યું હતું.