ભારતે એડીલેડ 31-રનથી કબજે કર્યું; 4-મેચોની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ

એડીલેડ – અહીંના એડીલેડ ઓવલ મેદાન પરની પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને આજે પાંચમા અને આખરી દિવસે 31 રનથી પરાજય આપીને 4-મેચોની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. એડીલેડ મેદાન પર ભારત 15 વર્ષ બાદ આ પહેલી વાર ટેસ્ટ મેચ જીત્યું છે.

બીજી મેચ 14 ડિસેંબરથી પર્થમાં રમાશે.

ભારતે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 323 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ ભારતના બોલરો, ખાસ કરીને 3 ફાસ્ટ બોલરો – જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અે ઈશાંત શર્માએ ઘાતક બોલિંગ કરતાં ગૃહ ટીમ બીજા દાવમાં લંચ બાદના સત્રમાં 119.5 ઓવર બાદ 291 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ લઈને પહેલા દાવમાં 250 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 235 રનમાં પૂરો થયો હતો. 15 રનની લીડ મેળવનાર ભારતનો બીજો દાવ 307 રનમાં પૂરો થયો હતો.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ લડત આપી હતી, પણ ભારતીય બોલરો આ મેચમાંથી વિજય હાથમાંથી છટકવા ન દેવા મક્કમ હતા. બે ફાસ્ટ બોલરો – જસપ્રીત બુમરાહે 68 રનમાં 3, મોહમ્મદ શમીએ 65 રનમાં 3 અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 92 રનમાં 3 વિકેટ લીધી છે. અન્ય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ફાળે એક વિકેટ આવી છે.

એડીલેડ ટેસ્ટ વિકેટકીપર રિષભ પંત માટે પણ યાદગાર બની રહેશે. એણે સમગ્ર મેચમાં 11 કેચ પકડીને વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી છે. જેક રસેલ (ઈંગ્લેન્ડ) અને એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા)એ 11-11 કેચ પકડ્યા હતા.

ગઈ કાલનો નોટઆઉટ બેટ્સમેન શોન માર્શ આજે વ્યક્તિગત 60 રન કરીને આઉટ થયો હતો. અન્ય નોટઆઉટ બેટ્સમેન ટ્રેવિસ હેડ (14) પહેલો આઉટ થયો હતો.

કેપ્ટન અને વિકેટકીપર ટીમ પેઈન 41 રનના સ્કોર પર આઉટ થતાં જીત મેળવવાની ઓસ્ટ્રેલિયાની રહીસહી આશા પડી ભાંગી હતી.

પૂંછડિયાઓ – પેટ કમિન્સ (28), મિચેલ સ્ટાર્ક (28), નેથન લિયોન (અણનમ 38) અને જોશ હેઝલવૂડ (13)એ બોલરોને લડત આપી હતી અને ભારતને જીત મેળવવા માટે રાહ જોવડાવી હતી. લિયોન અને હેઝલવૂડની જોડી ભારતને હંફાવી રહી હતી. આખરે અશ્વિને હેઝલવૂડને રાહુલ દ્વારા કેચઆઉટ કરાવીને મેચનો અંત લાવી દીધો હતો.