ભારતની મહિલા હોકી ટીમ બની એશિયન ચેમ્પિયન

0
2812

કાકામીગાહારા (જાપાન) – અહીં આજે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની મહિલા હોકી ટીમની ખેલાડીઓએ ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી પરાજય આપીને ૯મી એશિયન કપ હોકી સ્પર્ધા જીતી લીધી છે અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સાથે, ભારતીય ટીમે ૨૦૦૯ની ફાઈનલમાં ચીનના હાથે થયેલા પરાજયનું સાટું વાળી લીધું છે.

નવજોત કૌરે 25મી મિનિટે ભારતને સરસાઈ અપાવી હતી. હાફ ટાઈમે સ્કોર 1-0 હતો.

ત્યારબાદ ચીનની તિયાનતિયાન લુઓએ 47મી મિનિટે ગોલ કર્યો હતો.

ફૂલ-ટાઈમને અંતે સ્કોર 1-1થી સમાન રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટની મદદ લેવી પડી હતી.

એમાં, બંને ટીમે 4-4 ગોલ કર્યા હતા. ભારત તરફથી કેપ્ટન રાની રામપાલ, મોનિકા, નવજોત અને લિલિમા મિન્ઝે ગોલ કર્યો હતો.

બંને ટીમ છેલ્લા પ્રયાસમાં ગોલ કરવામાં નિષ્ફળ ગયા બાદ ‘સડન ડેથ’ દ્વારા પરિણામ લાવવું પડ્યું હતું.
એમાં રાની રામપાલે ગોલ કરવામાં સફળતા મેળવી હતી જ્યારે ચીનની મહિલા નિષ્ફળ ગઈ હતી, એ સાથે જ ભારત વિજયી થયું હતું. ગોલકીપર સવિતાએ ઉત્કૃષ્ટ રીતે ચીની ખેલાડીએ ફટકારેલા બોલને અટકાવીને ગોલ થતો બચાવ્યો હતો.

સવિતાને સ્પર્ધાની શ્રેષ્ઠ ગોલકીપર ઘોષિત કરવામાં આવી હતી.

ભારતની મહિલા ટીમે આ બીજી વાર એશિયા કપ જીત્યો છે. 2004માં દિલ્હીમાં રમાયેલી સ્પર્ધામાં ફાઈનલમાં જાપાનને હરાવ્યું હતું.

એશિયા કપ-2017 ટ્રોફી જીતીને ભારતની મહિલા હોકી ટીમ 2018ની વર્લ્ડ કપ મહિલા હોકીમાં રમવા ક્વોલિફાય થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના પુરુષોની ટીમે પણ આ જ વર્ષના આરંભમાં એશિયન વિજેતાપદ જીત્યું હતું.