દક્ષિણ આફ્રિકાની ટીમને જરાય હળવાશથી નહીં લઈએઃ કોહલી

સાઉધમ્પ્ટન – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આવતીકાલે અહીં એજીસ બોઉલ મેદાન પર ભારતીય ટીમ તેની પહેલી જ મેચ રમવાની છે. આ મુકાબલો છે દક્ષિણ આફ્રિકા સામે. ફાફ ડુ પ્લેસીની આગેવાની હેઠળની ટીમ સ્પર્ધામાં તેની બે મેચ હારી ચૂકી છે. એમાંની એક તો બાંગ્લાદેશ સામે. તે છતાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આફ્રિકી ટીમને હળવાશથી લેવાનો નથી.

કોહલીએ મેચની પૂર્વસંધ્યાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકા ટીમ એના કોઈ સારા દિવસે બહુ જ ખતરનાક બની શકે છે. તેથી અમે એને જરાય હળવાશથી લેવાના નથી.

કોહલીએ એમ પણ કહ્યું કે અમે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરેલી ભૂલોમાંથી શીખ્યા છીએ.

એ સ્પર્ધામાં ભારતીય ટીમ ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હારી ગઈ હતી.

કોહલીએ કહ્યું કે આ વખતે અમે ટીમમાં રિસ્ટ સ્પિનરોને સામેલ કર્યા છે.

ભારત તેના બંને રિસ્ટ સ્પિનર – કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને ઈલેવનમાં સામેલ કરે એવી પૂરી શક્યતા છે. જો એણે ભૂવનેશ્વર કુમારના રૂપમાં એક વધુ ફાસ્ટ બોલરને રમાડવો હશે તો યાદવ કે ચહલમાંથી એકને પડતો મૂકવો પડશે. ફાસ્ટ બોલિંગ આક્રમણ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સંભાળશે.

જેથી દાવના મધ્ય ભાગની ઓવરોમાં વિકેટો મેળવી શકાય. ચેમ્પિયન્સ ટ્રોફી વખતે અમારી જે ટીમ હતી એના કરતાં આ વખતે વધારે મજબૂત ટીમ છે.

30 વર્ષીય કોહલીએ કહ્યું કે મને મારી ટીમમાં પૂરો વિશ્વાસ છે અને ગ્રુપ તબક્કાની મેચો જીતવાની અમને ઘણી સારી તક છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની મેચ હારી જઈને હાલ તાણ હેઠળ છે. એમાં એના બે ફાસ્ટ બોલરની ઈજાએ એને માટે મોટી પરેશાની ઊભી કરી છે. જમણેરી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન તો ખભાની ઈજાને કારણે સ્પર્ધામાંથી જ આઉટ થઈ ગયો છે જ્યારે અન્ય ફાસ્ટ લુન્ગી એન્ગીડી પણ ઈજાગ્રસ્ત થતાં ભારત સામેની મેચમાંથી બાકાત થયો છે.

ભારતીય ઈલેવન આ ખેલાડીઓમાંથી પસંદ કરાશેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ. રાહુલ, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, એમ.એસ. ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા ટીમઃ

ફાફ ડુ પ્લેસી (કેપ્ટન), એઈડન મારક્રામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), હાશીમ અમલા, રાસી વાન ડેર ડસન, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, એન્ડીલ ફેલુક્વેયો, જે.પી. ડુમિની, ડ્વેન પ્રીટોરિયસ, કેગીસો રબાડા, લુન્ગી એન્ગીડી, ઈમરાન તાહિર, તબરેઝ શમસી, બ્યુરેન હેન્ડ્રીક્સ.