ઓલ્ડ ટ્રેફર્ડની વર્લ્ડ કપ મેચમાં ભારતે પાકિસ્તાનને D/L નિર્ણયમાં 89 રનથી હરાવ્યું

માન્ચેસ્ટર – અહીં ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે વરસાદના વિઘ્નને કારણે બગડી ગયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને  D/L અનુસાર 89 રનથી પરાજય આપ્યો છે. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 336 રન કર્યા હતા. પાકિસ્તાનના દાવમાં વરસાદ પડતાં અમ્પાયરોએ મેચને ટીમ દીઠ 40-ઓવરની કરી નાખી હતી અને પાકિસ્તાનને જીત માટે 40 ઓવરમાં 302 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 6 વિકેટે 212 રન કરી શકી હતી. વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન પર ભારતનો આ 7મો વિજય છે.

આજની મેચમાં ભારતનો વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા છવાઈ ગયો હતો જેણે એની કારકિર્દીની આ 209મી મેચમાં 24મી સદીના રૂપમાં શાનદાર 140 રન ઝીંકી દીધા હતા. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. એવી જ રીતે, કેપ્ટન વિરાટ કોહલી પણ 77 રનની વિક્રમસર્જક ઈનિંગ્ઝ ખેલી ગયો. આ બંને મુખ્ય યોગદાન વડે ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટે 336 રન કર્યા હતા. વિજય શંકર 15 અને કેદાર જાધવ 9 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં રોહિત શર્માની આ બીજી સદી છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પણ એણે સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એણે 57 રન કર્યા હતા.

મેચના અંતે ઈમાદ વસીમ 46 અને શાદાબ ખાન 20 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાનની પડી ગયેલી 6 વિકેટ છેઃ ઈમાન ઉલ હક (7), ફખર ઝમાન (62), બાબર આઝમ (48), મોહમ્મદ હફીઝ (9), સરફરાઝ એહમદ (12) અને શોએબ મલિક (0).

વિજય શંકર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર એની ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે એના પગની નસ ખેંચાઈ જતાં એને પેવિલિયનમાં પાછા ફરવાની ફરજ પડી હતી. એની અધૂરી ઓવર પૂરી કરવા વિજય શંકર આવ્યો હતો અને એણે પહેલા જ બોલે ઈમામને આઉટ કર્યો હતો. વર્લ્ડ કપમાં કોઈ બોલરે એની કારકિર્દીના પહેલા જ બોલમાં વિકેટ લીધી હોય એવો આ પહેલો જ પ્રસંગ બન્યો છે.

230મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતા કોહલીએ પોતાની 51મી અડધી સદી ફટકારી હતી. એના 50 રન 51 બોલમાં, 3 ચોગ્ગા સાથે બન્યા હતા. કોહલીએ આ સાથે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એના 11 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર એ વિશ્વનો ફાસ્ટેસ્ટ બેટ્સમેન છે. એણે 222 દાવમાં 11 હજાર પૂરા કર્યા છે. એની પછી બીજા નંબરે આવે છે સચીન તેંડુલકર, જેણે 11 હજાર પૂરા કરવા માટે 276 દાવ લીધા હતા. એ પછીનો ક્રમ આ મુજબ છેઃ રિકી પોન્ટિંગ (286 દાવ), સૌરવ ગાંગુલી (288) અને જેક કેલીસ (293 દાવ).

ભારતના 234 રનના સ્કોર પર શર્મા બીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. એણે 113 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે પાકિસ્તાની બોલરોને પોતાની બેટિંગ તાકાતનો પરચો બતાવ્યો હતો. રોહિતે લોકેશ રાહુલની સાથે મળીને પહેલી વિકેટ માટે 136 રન બનાવ્યા હતા. રાહુલ 57 રન કરીને 24મી ઓવરમાં આઉટ થયો હતો. એના 78 બોલના દાવમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા હતા.

હાર્દિક પંડ્યા (26) અને મહેન્દ્ર સિંહ ધોની (1)ની વિકેટ લેવામાં સફળ થયો હતો ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ અમીર.

રસપ્રદ મુકાબલામાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ટોસ જીત્યો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો હતો. ઈજાગ્રસ્ત ઓપનર શિખર ધવનની જગ્યાએ મિડલ ઓર્ડર બેટ્સમેન-ઓલરાઉન્ડર વિજય શંકરને સામેલ કર્યો હતો. લોકેશ રાહુલને દાવનો આરંભ કરવા મોકલવામાં આવ્યો હતો.

આજની મેચમાં જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. 4 મેચમાં 3 જીત અને એક નો-રિઝલ્ટ સાથે ભારતના 7 પોઈન્ટ થયા છે. ઓસ્ટ્રેલિયા પાંચ મેચમાં 8 પોઈન્ટ અને ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઈન્ટ સાથે અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ સારા રનરેટ (+2.163)ને કારણે ભારત કરતાં આગળ છે. ભારતનો રનરેટ છે – +1.029.

ભારતીય ઈલેવનઃ

રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાન ઈલેવનઃ

ઈમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ એહમદ (કેપ્ટન અને વિકેટકીપર), શોએબ મલિક, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ અમીર.