ટીમ ઈન્ડિયાને રાહતઃ ભૂવનેશ્વર કુમાર ફિટ છે; નેટ્સમાં બોલિંગ કરી

માન્ચેસ્ટર – અત્રેના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 27મી ભારતની વર્લ્ડ કપ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાવાની છે. એ પૂર્વે આજે ભારતીય ક્રિકેટ ટીમને મોટા રાહતના અને ભારતના ક્રિકેટપ્રેમીઓને આનંદ થાય એવા સમાચાર મળ્યા છે. ટીમનો ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર ફિટ જાહેર થઈ ગયો છે. ગઈ 16 જૂને પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચ વખતે ડાબા પગની નસ ખેંચાઈ જતા એને મેચ અધવચ્ચે છોડીને પેવિલિયનમાં પાછા જવું પડ્યું હતું.

નિષ્ણાતોએ એને આઠ દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી હતી.

જોકે ભૂવી હવે સાજો થઈ ગયો છે અને આજે એણે અહીંના મેદાન પર ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસમાં સામેલ થઈ બોલિંગ પણ કરી હતી.

નેટ પ્રેક્ટિસ વખતે ભૂવનેશ્વર પર ટીમના ફિઝિયોથેરપિસ્ટ પેટ્રિક ફોરહાર્ટ નજર રાખી રહ્યા હતા. એ વખતે પસંદગી સમિતિના ચેરમેન એમ.એસ.કે. પ્રસાદ અને સાથી પસંદગીકારો જતીન પરાંપજે અને ગગન ખોડા પણ હાજર હતા.

આજે ભૂવનેશ્વરે 30 મિનિટ સુધી બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. એ વખતે કેપ્ટન વિરાટ કોહલી, ઓલરાઉન્ડરો – વિજય શંકર અને રવિન્દ્ર જાડેજા પણ હાજર હતા.

સપોર્ટ સ્ટાફના એક સભ્યએ કહ્યું કે ભૂવનેશ્વર આજે નેટ્સમાં બોલિંગ કરતી વખતે ઓકે જણાયો હતો. આગામી દિવસોમાં એ વધારે ફિટ થઈ જશે.

જોકે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં એ રમી શકશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી.

એની ગેરહાજરીમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રમાડવામાં આવ્યો હતો અને એણે હેટ-ટ્રિક લેતાં અફઘાન ટીમનો પરાજય થયો હતો.

ભૂવનેશ્વર ઈજાગ્રસ્ત થતાં ટીમ મેનેજમેન્ટે ઈન્ડિયા-A ટીમના ખેલાડી નવદીપ સૈનીને નેટ બોલર તરીકે લંડન બોલાવ્યો હતો. સૈની હવે ઓરિજિનલ સ્ટેન્ડ-બાય યાદીનો હિસ્સો છે.

httpss://twitter.com/BCCI/status/1143450714930405376