ICC મહિલા T20 વર્લ્ડ કપઃ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર

મુંબઈ – આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર આઈસીસી મહિલા વર્લ્ડ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધા માટે 15-સભ્યોની ભારતીય ટીમનું સુકાન સ્ટાર ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરને સોંપવામાં આવ્યું છે.

સ્મૃતિ મંધાનાને વાઈસ-કેપ્ટન ઘોષિત કરવામાં આવી છે.

મહિલા વર્લ્ડ કપ સ્પર્ધાની આ છઠ્ઠી આવૃત્તિ હશે. એની પહેલી મેચ 9 નવેંબરે રમાશે, ફાઈનલ 24 નવેંબરે રમાશે. સ્પર્ધાની વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે.

અનુભવી ઓલરાઉન્ડર શિખા પાંડેને ટીમમાંથી પડતી મૂકવામાં આવી છે જ્યારે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે ટીમમાં કમબેક કર્યું છે. ઘૂંટીની ઈજાને કારણે વસ્ત્રાકર શ્રીલંકા સામે હાલમાં જ પૂરી થયેલી મર્યાદિત ઓવરોવાળી સીરિઝ ચૂકી ગઈ હતી.

કુલ 10-ટીમવાળી સ્પર્ધામાં ભારતને B-ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય ટીમો છે – ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન અને આયરલેન્ડ.

A-ગ્રુપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે.

સ્પર્ધાની પહેલી જ મેચ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે ગયાનામાં રમાશે. ત્યારબાદ, 11 નવેંબરે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. 15 નવેંબરે આયરલેન્ડ અને 17 નવેંબરે ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), મિતાલી રાજ, જેમીમા રોડ્રિગ્સ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તી શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટીલ, એકતા બિશ્ટ, ડી. હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર અને અરુંધતિ રેડ્ડી.