પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પાસે નાણાકીય વળતર માગ્યું: ICCએ ના પાડી દીધી

દુબઈ – ભારત પોતાની સાથે દ્વિપક્ષી ક્રિકેટ સીરિઝ રમતું ન હોવાથી પોતાને આર્થિક નુકસાન ગયું છે અને એના વળતર પેટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાને 7 કરોડ ડોલર ચૂકવે એવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરેલી માગણીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આજે નકારી કાઢી છે.

બીસીસીઆઈ પાસેથી નાણાકીય વળતરની પીસીબીએ કરેલી માગણીને આઈસીસીની તકરાર સમિતિએ નકારી કાઢી છે.

આમ, પીસીબીનો કેસ હવામાં ઉડી ગયો છે, કારણ કે આઈસીસી સંસ્થાએ જણાવી દીધું છે કે તેનો આ ચુકાદો પીસીબીને બંધનકર્તા છે અને આમાં અપીલ કરી શકાશે નહીં.

 

આ વિવાદ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે 2014માં થયેલા એક કરારને લગતો છે. એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશ 2015થી લઈને 2023 વચ્ચેના આઠ વર્ષોમાં 6 શ્રેણીઓ રમશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ક્રિકેટ શ્રેણી ન રમવાના બીસીસીઆઈના ઈનકાર પાછળ રાજકીય કારણ છે. 2008માં મુંબઈમાં ત્રાસવાદી હુમલાઓ થયા બાદ બંને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. બીસીસીઆઈના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ભારતીય ટીમનો પાકિસ્તાન પ્રવાસ ભારતના વડા પ્રધાન કાર્યાલયની મંજૂરીને આધીન રહેશે.

2014ના કરાર અંતર્ગત પાકિસ્તાને 2014ના નવેમ્બર અને 2015ના ડિસેમ્બરમાં ભારતીય ટીમના પ્રવાસનું આયોજન કરવાનું હતું, પણ ભારતીય ટીમ ત્યાંના પ્રવાસે ગઈ જ નહોતી. એટલે પાકિસ્તાન એ માટે પોતાને થયેલા આર્થિક નુકસાન પેટે 7 કરોડ ડોલરનું વળતર માગે છે.