ક્રિકેટ વર્લ્ડ કપઃ વેસ્ટ ઈન્ડિઝ પર ઓસ્ટ્રેલિયાનો 15-રનથી વિજય

0
554

નોટિંઘમ –  અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15-રનથી પરાજય આપ્યો છે. સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનો આ બીજો વિજય છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો 1 પરાજય અને 1 વિજય છે.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી હતી. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતના ધબડકા બાદ સ્ટીવન સ્મિથના 73 રન અને બોલિંગ ઓલરાઉન્ડર નેથન કુલ્ટર-નાઈલના 92 રનની મદદથી 49 ઓવરમાં 288 રન કર્યા હતા. તેના જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવર પૂરી રમી હતી, પણ 9 વિકેટના ભોગે 273 રન જ કરી શકી હતી.

કુલ્ટર-નાઈલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝને જીતવા ન દેવામાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એણે બોલિંગમાં, 10 ઓવર ફેંકીને 46 રનના ખર્ચે પાંચ વિકેટ લીધી હતી. સ્ટાર્કના પાંચ શિકાર છેઃ ક્રિસ ગેલ (21), જેસન હોલ્ડર (51), આન્દ્રે રસેલ (15), કાર્લોસ બ્રેથવેટ (16) અને શેલ્ડન કોટ્રેલ (1).

વેસ્ટ ઈન્ડિઝના દાવમાં સૌથી વધુ સ્કોર તેના વિકેટકીપર શેઈ હોપે કર્યો હતો – 68 રન. જ્યાં સુધી એ ક્રીઝ પર હતો ત્યાં સુધી કેરિબિયનોને જીતની આશા પ્રબળ હતી. ત્યારબાદ કેપ્ટન જેસન હોલ્ડરે જીતની આશા જન્માવી હતી. હોપે 105 બોલનો સામનો કર્યો હતો અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. હોલ્ડર 57 બોલ રમ્યો હતો જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનિંગ બેટ્સમેન ઈવીન લૂઈસ માત્ર એક રન કરીને અને દાવની બીજી જ ઓવરમાં આઉટ થયો હતો. નિકોલસ પૂરને 40 રન કર્યા હતા. શિમરોન હેટમેયરે 21 રન કર્યા હતા. એશ્લે નર્સ 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

મિચેલ સ્ટાર્કને સાથી ફાસ્ટ બોલર પેટ કમિન્સનો સાથ મળ્યો હતો જેણે 41 રનમાં બે વિકેટ લીધી હતી. લેગસ્પિનરએડમ ઝમ્પાએ નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો.

સ્ટાર્કે ફેંકેલી વેસ્ટ ઈન્ડિઝના દાવની 46મી અને પોતાની 9મી ઓવર ઓસ્ટ્રેલિયા માટે ગેમ ચેન્જર બની હતી. એમાં તેણે માત્ર એક જ રન આપ્યો હતો અને બે વિકેટ લીધી હતી – બ્રેથવેટ અને હોલ્ડરની વિકેટ પાડી હતી. જેને કારણે જીતવા માટેનો વિન્ડીઝ ટીમનો રહ્યોસહ્યો જુસ્સો પડી ભાંગ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતના બેટિંગ ધબડકામાંથી છટકીને 288 રનનો ચેલેન્જિંગ સ્કોર ઊભો કરવામાં સફળ થઈ હતી.

તેનો આ સ્કોર બે બેટ્સમેનના યોગદાનને આભારી છે. અનુભવી સ્ટીવન સ્મિથે 73 રન કરીને એક છેડો સંભાળી રાખ્યો હતો અને ત્યારબાદ 8મા ક્રમે આવેલા બોલિંગ ઓલરાઉન્ડર નેથન કુલ્ટર-નાઈલે તો 92 રન ફટકારીને એની ટીમને નબળી સ્થિતિમાંથી સંપૂર્ણપણે ઉગારી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 288 રનમાં ઓલઆઉટ થઈ હતી.

કુલ્ટર-નાઈલે તેના 92 રન માત્ર 60 બોલમાં ફટકાર્યા હતા જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.

સ્મિથે 103 બોલનો સામનો કર્યો હતો અને તેના 73 રનમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પણ ઓસ્ટ્રેલિયાએ ધડાધડ 4 મોટી વિકેટ ખોઈ દેતાં ટીમ નાજુક સ્થિતિમાં આવી ગઈ હતી.

ત્રીજી જ ઓવરમાં, 15 રનના સ્કોર પર કેપ્ટન આરોન ફિન્ચ (6) આઉટ થયો હતો. 26 રનના સ્કોર પર ડેવિડ વોર્નર (3)ની વિકેટ પડી હતી. સાતમી ઓવરમાં, 36 રનના જુમલે ઉસ્માન ખ્વાજા (13) આઉટ થયો હતો. માત્ર બે જ રન બાદ ગ્લેન મેક્સવેલ (0) આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની હાલત એકદમ કફોડી થઈ ગઈ હતી.

સ્મિથ અને માર્કસ સ્ટોઈનીસ (19)ની જોડીએ સ્કોરને 79 પર પહોંચાડ્યો હતો. ત્યારે સ્ટોઈનીસ આઉટ થયો હતો. સ્મિથને ત્યારબાદ સાથ મળ્યો હતો વિકેટકીપર એલેક્સ કેરી (45)નો. કેરીએ 55 બોલમાં સાત ચોગ્ગા સાથે 45 રન કર્યા હતા. કેરીની વિકેટ પડ્યા બાદ સ્મિથ અને કુલ્ટર-નાઈલની જોડીએ 102 રનની ભાગીદારી કરી હતી અને ઓસ્ટ્રેલિયા એકદમ સુરક્ષિત થઈ ગયું હતું. આ જોડી તૂટ્યા બાદ વિકેટો નિયમિત રીતે પડી હતી. 9મી વિકેટના રૂપમાં, 284 રનના સ્કોર પર કુલ્ટર-નાઈલ આઉટ થયો હતો. એ 8-રન માટે સદી ચૂકી ગયો હતો.

વેસ્ટ ઈન્ડિઝનો મધ્યમ ઝડપી બોલર કાર્લોસ બ્રેથવેટ 67 રનમાં 3 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો હતો. અન્ય 3 ઝડપી બોલરો – ઓશેન થોમસ, શેલ્ડન કોટ્રેલ અને આન્દ્રે રસેલે 2-2 વિકેટ ઝડપી હતી. કેપ્ટન હોલ્ડર, જે પણ મધ્યમ ઝડપી બોલિંગ કરે છે, એણે સ્ટોઈનીસની વિકેટ લીધી હતી.