હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટને મોટી સફળતાઓ અપાવી શકે છેઃ પોલાર્ડનો મત

મુંબઈ – આઈપીએલ સ્પર્ધાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઓલરાઉન્ડર કાઈરન પોલાર્ડે એની ટીમના અન્ય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની રમતની ભારોભાર પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ભારતીય ક્રિકેટને મોટી સફળતાઓ અપાવવાની એનામાં ક્ષમતા છે.

પોલાર્ડે કહ્યું કે, હાર્દિક પંડ્યા કદમાં ભલે ઠીંગણો છે, પણ એ બોલને બહુ ઊંચે અને લાંબે સુધી ફટકારી શકે છે. જો તે આ જ રીતે રમતો રહેશે તો એ ધુરંધર ક્રિકેટર બનશે અને માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ નહીં, પણ ભારત માટે પણ મોટી ઈનિંગ્ઝ ખેલશે.

હાર્દિક પટેલ વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં જોરદાર ફોર્મમાં રમી રહ્યો છે. એની અવ્વલ નંબરની ઈનિંગ્ઝ જોવા મળી હતી 28 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં. એ મેચમાં મુંબઈ ટીમ 34 રનથી હારી ગઈ હતી, પણ હાર્દિકે 34 બોલમાં 91 રન ફટકારીને સૌને ચકિત કરી દીધા હતા. તેના એ દાવમાં 9 સિક્સર અને 6 બાઉન્ડરીનો સમાવેશ હતો. એણે કોલકાતાના આન્દ્રે રસેલની અણનમ 80 રન (40 બોલમાં, 8 સિક્સ, 6 બાઉન્ડરી)ની ઈનિંગ્ઝને ઝાંખી પાડી દીધી હતી.

હાર્દિક પંડ્યા ગુરુવારે મુંબઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ પૂર્વે વર્તમાન મોસમની 12 મેચોમાં કુલ 355 રન ફટકારી ચૂક્યો હતો.

હાર્દિકની બેટિંગની ખાસ રીતે નોંધ લેતાં પોલાર્ડે કહ્યું કે હાર્દિકને પોતાની ક્ષમતામાં ભારે વિશ્વાસ છે. દેખીતી રીતે જ એ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે પરિસ્થિતિ એવી રહેતી હોય છે કે ફટકાબાજી કર્યા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એને એમાં મજા પણ આવે છે. એણે આક્રમક ફટકાબાજી કરીને મુંબઈ ટીમને બે ગેમમાં જીત પણ અપાવી હતી.

પોલાર્ડનું માનવું છે હાર્દિક પંડ્યાનો આત્મવિશ્વાસ ગજબનો છે. એ એવા ખેલાડીઓમાંનો એક છે જે મુક્તપણે રમે છે અને પોતાની સ્ટાઈલમાં રમે છે. જેને કારણે ગેમ પર જબ્બર અસર ઊભી થાય છે.