CWG2018: શૂટિંગમાં ભારતને સુવર્ણ, કાંસ્ય મળ્યા: કુલ 8 ગોલ્ડ મેડલ થયા

ગોલ્ડ કોસ્ટ – ભારતે અહીં કોમનવેલ્થ ગેમ્સમાં આજે એક વધુ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે. આજનો સુવર્ણચંદ્રક અપાવનાર છે શૂટિંગ સ્ટાર જિતુ રાય.

જિતુએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં 235.1 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાના કેરી બેલે (233.5) રજત અને ભારતના ઓમપ્રકાશ મિઠારવલે (214.3) કાંસ્ય જીત્યો છે.

જિતુએ નવો ગેમ્સ રેકોર્ડ નોંધાવ્યો છે. તે આ હરીફાઈનો ગોલ્ડ જીતવા માટે પહેલેથી જ ફેવરિટ હતો.

આજના આ મેડલ સાથે ભારતે ગેમ્સમાં જીતેલા સુવર્ણચંદ્રકોનો આંકડો 8 પર પહોંચ્યો છે અને કુલ મેડલ્સનો આંક 15 થયો છે. (3 રજત અને 4 કાંસ્ય).

ગેમ્સના આજે પાંચમા દિવસે ભારતને દિવસના આરંભમાં 3 મેડલ મળ્યા છે. વેઈટલિફ્ટિંગમાં, પ્રદીપ કુમારે રજત ચંદ્રક જીત્યો છે. પ્રદીપ સિંહે પુરુષોના 105 કિ.ગ્રા. વર્ગમાં કુલ 352 કિલો વજન ઉઠાવ્યું હતું. એણે સ્નેચમાં, 152 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 200 કિલો વજન ઉંચક્યું હતું.

રજતચંદ્રક વિજેતા પ્રદીપ સિંહ (ડાબે)