વર્લ્ડ કપ ફૂટબોલઃ નોકઆઉટ તબક્કામાં આર્જેન્ટિનાને 4-3થી હરાવી ફ્રાન્સ ક્વાર્ટર ફાઈનલમાં

કેઝાન (રશિયા) – અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં આજથી નોકઆઉટ તબક્કાનો પ્રારંભ થયો છે. આજે પહેલી મેચમાં, ફ્રાન્સે આર્જેન્ટિનાને 4-3થી પરાજય આપ્યો છે અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ, વર્લ્ડ કપના ઈતિહાસમાં બે વખત વિજેતા બનેલી આર્જેન્ટિના ટીમની આગેકૂચનો અંત આવી ગયો છે. હાર થયા બાદ આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેસ મેસ્સી ફરી માથું ઝુકાવીને ચાલતો જોવા મળ્યો હતો.

ફ્રાન્સના આ 4 ગોલ 13, 57, 64 અને 68મી મિનિટે થયા હતા જ્યારે આર્જેન્ટિનાનાં ત્રણ ગોલ 41, 48 અને 90+3મી મિનિટે થયા હતા. હાફ-ટાઈમે સ્કોર 1-1 હતો.

ફ્રાન્સ વતી આ ચાર ગોલ કરનાર ત્રણ ખેલાડી છે. કાઈલીયન એમ્બાપી (બે ગોલ), એન્ટોઈન ગ્રીઝમેન અને બેન્જામીન પેવાર્ડ. આર્જેન્ટિના તરફથી ગોલ કરનાર ખેલાડીઓ છે – એન્જેલ ડી મારિયા, ગેબ્રિયલ મર્કાડો અને કુન એગ્વેરો.

આર્જેન્ટિનાના કમનસીબે એનો કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી આજે કોઈ ગોલ કરી શક્યો નહોતો.

ફ્રાન્સના કાઈલીયન એમ્બાપીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

ગ્રુપ તબક્કામાં, આર્જેન્ટિના-આઈસલેન્ડ વચ્ચેની મેચ 1-1થી ડ્રોમાં ગઈ હતી અને ક્રોએશિયા સામે એનો 0-3થી ઘોર પરાજય થયો હતો. ત્રીજી મેચમાં એણે નાઈજિરીયા 2-1થી પરાજય આપ્યો હતો. ફ્રાન્સે તેના ગ્રુપમાં એકેય મેચ હાર્યું નહોતું. એણે ઓસ્ટ્રેલિયાને 2-1થી, પેરુને 1-0થી પરાજય આપ્યો હતો જ્યારે ડેન્માર્ક સાથેની એની મેચ 0-0થી ડ્રોમાં ગઈ હતી.

કાઈલીયન એમ્બાપી