અજિત વાડેકરના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

મુંબઈ – ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અજિત વાડેકરના આજે દાદર સ્મશાનભૂમિ ખાતે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વાડેકરનું 15 ઓગસ્ટે નિધન થયું હતું.

ભારતે વાડેકરના નેતૃત્વમાં 1971માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ વિજય હાંસલ કર્યો હતો. લાંબી માંદગી બાદ એમણે 15 ઓગસ્ટે દક્ષિણ મુંબઈની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

વાડેકરે ભારતીય ક્રિકેટમાં બેટ્સમેન, કેપ્ટન, મેનેજર, કોચ અને પસંદગીકાર એમ જુદા જુદા સ્તરે સેવા બજાવી હતી. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનું નેતૃત્ત્વ કરનાર પણ તેઓ પહેલા જ હતા.

શુભેચ્છકો, પ્રશંસકો શ્રદ્ધાંજલિ આપી શકે એ માટે વાડેકરના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે આજે સવારે અહીં વરલી સ્થિત એમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું.

દંતકથા સમાન સચીન તેંડુલકર, વિનોદ કાંબલી, સમીર દીઘે, ભૂતપૂર્વ હોકી કેપ્ટન એમ.એમ. સોમૈયા તથા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓએ ઉપસ્થિત રહી દિવંગત ક્રિકેટરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બીસીસીઆઈના જનરલ મેનેજર (ક્રિકેટ ઓપરેશન્સ) સબા કરીમ ક્રિકેટ બોર્ડ વતી ઉપસ્થિત રહ્યા હતા.

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત સહિત અનેક રાજકીય પક્ષોના નેતાઓએ પણ ઉપસ્થિત રહીને વાડેકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારબાદ વાડેકરના પાર્થિવ શરીરને ફૂલોથી શણગારેલી ખુલ્લી ટ્રકમાં દાદરમાં શિવાજી પાર્ક જીમખાના ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ભૂતપૂર્વ ક્રિકેટરો સંદીપ પાટીલ, નિલેશ કુલકર્ણી, પદમાકર શિવાલકર, વાસુ પરાંજપે એમના પુત્ર જતીન પરાંજપે તથા અન્યોએ વાડેકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતીય તિરંગામાં વીંટાળેલા વાડેકરના પાર્થિવ દેહને ત્યારબાદ સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસ દ્વારા વાડેકરને ગન સેલ્યૂટ આપવામાં આવી હતી.

httpss://twitter.com/BCCI/status/1030018110240288768