ફૂટબોલ વર્લ્ડ કપઃ ગ્રુપ-Fમાં સ્વીડને સાઉથ કોરિયાને 1-0થી હરાવ્યું

નિઝની નોવગોરોડ (રશિયા) – અહીં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ-2018માં આજે રમાઈ ગયેલી ગ્રુપ-Fની મેચમાં સ્વીડને સાઉથ કોરિયા (કોરિયા રિપબ્લિક)ને 1-0થી પરાજય આપ્યો છે.

મેચનો એકમાત્ર ગોલ સ્વીડનના કેપ્ટન એન્ડ્રીઆસ ગ્રેન્ક્વીસ્ટે 65મી મિનિટે કર્યો હતો.

ગ્રેન્ક્વીસ્ટે તે ગોલ પેનલ્ટી કિક દ્વારા કર્યો હતો. એણે જમણી કોર્નરની નીચેના ભાગે બોલને ફટકાર્યો હતો અને ગોલકીપરે એનાથી વિરુદ્ધ દિશામાં છલાંગ લગાવી હતી.

ગ્રેન્ક્વીસ્ટને પેનલ્ટી કિક ફાળવવાનો નિર્ણય વિડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR) દ્વારા લેવામાં આવ્યો હતો.

સ્વીડને પહેલા હાફમાં વર્ચસ્વ જમાવ્યું હતું, પરંતુ ગોલ કરવામાં સફળતા મેળવી નહોતી. છેવટે 63મી મિનિટે કોરિયન ખેલાડી વાંગ હી-ચેનની ભૂલને કારણે સ્વીડનને લાભ થયો હતો. ચેને પેનલ્ટી એરિયામાં સ્વીડીશ ખેલાડી વિક્ટર ક્લાસનને પછાડ્યો હતો. અને VARના નિર્ણય બાદ સ્વીડનને પેનલ્ટી ફાળવવામાં આવી હતી. ગ્રેન્ક્વીસ્ટ કિક મારવા આગળ આવ્યો હતો અને 65મી મિનિટે એ ગોલ નોંધાયો હતો.

સ્વીડને 1958 બાદ આ પહેલી જ વાર વર્લ્ડ કપમાં પોતાની પ્રારંભિક મેચમાં જીત મેળવી છે. 1958માં સ્વીડને મેક્સિકોને પહેલી મેચમાં 3-0થી હરાવ્યું હતું.