લેટેસ્ટ ફિફા રેન્કિંગ્સઃ ભારતે ૧૦૨મો ક્રમ જાળવી રાખ્યો, જર્મની પહેલા નંબરે

ઝુરીક – ભારતની ફૂટબોલ ટીમે આજે જાહેર કરવામાં આવેલા નવા ફિફા રેન્કિંગ્સમાં ૧૦૨મું સ્થાન જાળવી રાખ્યું છે.

આ યાદીમાં ૨૦૧૪ના વર્લ્ડ કપ ચેમ્પિયન્સ જર્મનીએ પહેલું સ્થાન જાળવી રાખ્યું છે.

સુનીલ ચેટ્રીના નેતૃત્વવાળી ભારતીય ટીમ ૧૦૦ ક્રમાંકની અંદર સ્થાન મેળવશે એવી છેલ્લા ઘણા વખતથી આશા રખાય છે, પરંતુ ગયો આખો મહિનો ભારતીય ટીમને કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં રમવા મળ્યું નહોતું.

ભારતીય ટીમે ૩૩૩ પોઈન્ટ્સ સાથે ૧૦૨મો ક્રમ જાળવી રાખ્યો છે.

જોકીમની આગેવાની હેઠળની જર્મન ટીમ ટોચ પર જ રહી છે.

એશિયન ફૂટબોલ રેન્કિંગ્સમાં ભારતનો નંબર ૧૪મો છે.

ફિફા વર્લ્ડ રેન્કિંગ્સમાં ટોપ-5 ક્રમાંકમાં કોઈ ફેરફારો થયો નથી.

જર્મની ૧,૬૦૨ પોઈન્ટ્સ સાથે મોખરે છે તો બ્રાઝિલ ૧,૪૮૪ પોઈન્ટ્સ સાથે બીજા નંબરે, પોર્ટુગલ ત્રીજે (૧,૩૫૮), આર્જેન્ટિના ચોથે (૧,૩૪૮) અને બેલ્જિયમ પાંચમા ક્રમે છે (૧,૩૨૫).

ત્યારબાદના ક્રમાંકે સ્પેન, પોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ અને ચિલી આવીને ટોપ-10 યાદી પૂરી કરે છે.

આ વર્ષની વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધાનું યજમાન રશિયા ૬૧મા ક્રમે છે.

ટોપ-10 યાદીમાં સાત ટીમ યુરોપની છે. અન્ય ત્રણ ટીમ દક્ષિણ અમેરિકાની છે.